મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

અહેમદ પટેલના નિધન સાથે સોનિયા યુગના અંતના સંકેત

દિગ્ગજ નેતાના નિધનથી કોંગ્રેસમાં મુશ્કેલી વધશે : પક્ષની આંતરિક ખટપટ અને રાજ્યો કે દેશની ચૂંટણીઓ સહિતમાં અહેમદ પટેલની ભૂમિકા ખૂબજ મહત્વની હતી

અમદાવાદ, તા. ૨૬ : રાજકારણમાં વ્યક્તિ પોતાનું કદ મોટું કરવાની કોશિશ કરવાની સાથે ખુરશી માટેની લાલશા પણ જાગતી હોય છે. આવામાં કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને વર્ષોથી રાજકારણ સાથે કોંગ્રેસ સાથે જોડાયેલા હોવા છતાં પદ માટે ક્યારેય અહેમદ પટેલે લાલશા નહોતી રાખી. આવામાં પાર્ટીમાં મહત્વના મુદ્દા હોય ત્યારે અહેમદ પટેલ તેના સમાધાન માટે સૌથી આગળ અને સક્રીય રહેતા હતા. ઈન્દિરા ગાંધીથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે રાજકીય સલાહકાર તરીકે જોડાયેલા રહેલા અહેમદ પટેલનું કોંગ્રેસ પાર્ટીમાં ઘણું મહત્વ રહેલું હતું. આવામાં તેમના જવાથી સોનિયા ગાંધીએ જે રીતે કહ્યું કે તેમણે એક પ્રામાણિક સાથી ગુમાવ્યા છે ત્યારે અહેમત પટેલના નિધન સાથે સોનિયા ગાંધીના રાજકીય યુગનો અંત આવશે તેવા અનુમાન લગાવાઈ રહ્યા છે.

કોંગ્રેસની આંતરિક ખટપટ હોય, રાજ્યમાં સરકાર બનાવવાની કે ચલાવવાની હોય ત્યારે અહેમદ પટેલ મહત્વની જવાબદારી નીભાવતા હતા, આવામાં પાછલા કેટલાક વર્ષોથી કોંગ્રેસની જે સ્થિતિ બની છે તેમાંથી બહાર આવવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને અહેમદ પટેલ જેવા નેતાની જરુર છે અને તેમને ગુમાવવાથી કોંગ્રેસ પાર્ટીને એક રાખવી અને મહત્વના નિર્ણય લેવા પડકારજનક બની શકે છે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી બહાર આવી રહી છે આવામાં સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત છતાં કોંગ્રેસને એક રાખવાની જવાબદારી અહેમદ પટેલ દ્વારા સંભાળવામાં આવી રહી હતી. પરંતુ તેમના જવાથી સોનિયા ગાંધીના યુગનો અંત આવશે તેવી રાજકીય સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. અહેમદ પટેલ સોનિયા ગાંધી અને પાર્ટીના નેતાઓ વચ્ચે બ્રિજ તરીકે રોલ ભજવતા હતા આવામાં તેમના જવાથી કોંગ્રેસ પાર્ટીને અકબંધ રાખવા માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની જવાબદારી વધી શકે છે.

રાજકારણમાં એવા નેતા બહુ જ ઓછા હોય છે કે જે અમુક વર્ષો નહીં પણ દાયકાઓ સુધી પડદા પાછળ રહીને પોતાની જવાબદારી નિભાવતા રહે. પરંતુ કોંગ્રેસને આવા નેતા મળ્યા અને ૧૯૭૭માં સાંસદ બન્યા પછી તેમણે પાર્ટીમાં મહત્વની ભૂમિકા ભજવી. આ દરમિયાન તેમણે ઘણી વખત પાર્ટીને અને રાજ્યોમાં કોંગ્રેસની સરકારોને તૂટતા બચાવી.

અંતિમ વિધિ માટે ઉપસ્થિત રહેલા મધૂસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલ સરકાર બનાવવી, સરકાર ચલાવવી, ચૂંટણીની તૈયારી, પાર્ટીમાં અંદર-અંદરના મતભેદ દૂર કરવા, રાજ્યોના પ્રશ્નો, દેશના પ્રશ્નો વગેરે માટે તેમની ખાસ દ્રષ્ટિ હતી, એક એનાલિસિસ હતું જે કોંગ્રેસને ઘણું મદદરુપ થતું હતું. તેમણે આગળ જણાવ્યું હતું કે, અત્યારે તેમનું સ્થાન લઈ શકે તેવા નેતા કોંગ્રેસ પાર્ટીમાં દેખાતા નથી.

(12:00 am IST)