મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેના મુખ્યપ્રધાન તરીકે કાલે શપથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાયું : ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના ૧૭માં મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે શિવાજી પાર્ક અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા મજબૂત

મુંબઈ, તા. ૨૭ : મહારાષ્ટ્રના ભાવિ મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરે આવતીકાલે શપથ લેશે. શપથવિધિ કાર્યક્રમ મુંબઈના શિવાજી પાર્કમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. મુંબઈ પોલીસે આ કાર્યક્રમમાં એકત્રિત ભારે ભીડને જોતા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. જો કે, બોંબે હાઈકોર્ટને શિવાજી પાર્કમાં શપથવિધિ કાર્યક્રમ પર સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. બોમ્બે હાઈકોર્ટે બુધવારે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, સાર્વજનિક મેદાન પર આ પ્રકારના કાર્યક્રમોના આયોજન કરવાનો આ નિયમિત સિલસિલો જારી રહેવો જોઇએ નહીં. હાઈકોર્ટે એક એનજીઓની અરજી પર વર્ષ ૨૦૧૦માં આ વિસ્તારને સાઇલેન્સ ઝોન જાહેર કર્યું હતું ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે, શિવાજી પાર્કમાં માત્ર ૬ ડિસેમ્બર (આંબેડકર પરિનિર્વાણ દિવસ), પહેલી મે (મહારાષ્ટ્ર સ્થાપના દિવસ) અને ૨૬ જાન્યુઆરી (ગણતંત્ર દિવસ) કાર્યક્રમોનું આયોજન કરી શકાય છે.

             મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના નેતા તરીકે ચૂંટાયા બાદ શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણ કાર્યક્રમ માટે શિવાજી પાર્ક અને તેની આસપાસ સુરક્ષાને વધારી દેવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે મહારાષ્ટ્રના ૧૭માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (એમવીએ)ના નેતા ઉદ્ધવ ઠાકરે પરિવારમાંથી મુખ્યમંત્રી બનનાર પ્રથમ સભ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિવસૈનિકોનું શિવાજી પાર્ક સાથે ભાવનાત્મક જોડાણ છે. અહીં જ શિવસેનાના સંસ્થાપક દિવંગત બાલ ઠાકરે દશેરા રેલીને સંબોધિત કરતા આવ્યા હતા. બાલ ઠાકરેના પુત્ર ઉદ્ધવે આ પરંપરાને જાળવી રાખી છે. બાલ ઠાકરેના અંતિમ સંસ્કાર પણ શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા જેને શિવ સૈનિકો શિવતીર્થ કહે છે. શપથવિધિમાં વિવિધ પાર્ટીઓના નેતાઓને આમંત્રિત કરાયા છે.

(9:37 pm IST)