મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

અમેરિકામાં વસતા સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન મળ્યું: યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.શિરીષ કુલકર્ણીએ હાજરી આપીઃ પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વર્તમાન વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાના ભગીરથ કાર્યને બિરદાવ્યું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ તાજેતરમાં અમેરિકામાં વસતા ગુજરાતની સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓનું ન્યુજર્સીમાં સંમેલન મળ્યું હતું. જે અંતર્ગત  ન્યુજર્સીના એડિશન સ્થિત રોયલ ગ્રાન્ડ મેનોર ખાતેના કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.શિરીષ કુલકર્ણી, વકતા જય વસાવડા, અશોકભાઇ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ ગુજરાતની પ્રસિદ્ધ સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે એસ.પી.યુ. એલ્યુમની અમેરિકાના પ્રમુખ અલય પટેલે જણાવ્યું હતું કે, અમેરિકામાં વસતા સરદાર પટેલ યુનિ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સંસ્થાને સરદાર પટેલ યુનિ.એ પોતાના ઠરાવ ન.૨૫ માં સ્થાન આપ્યું છે. ઉપરાંત શિષ્યવૃતિનું  પણ આયોજન અને જાહેરાત કરેલ છે. અહીં સંમેલનની ૧૭મી વાર્ષિક ઉજવણી કરાઇ છે.  વિદેશની ધરતી પર યોજાયેલ સ્નેહમિલનમાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ સભ્યો એકત્ર થયા હતા. આ દરેક ચરોતરના વિદ્યાર્થીઓ માટે આર્થિક સહયોગ આપે છે.

આ સંમેલન દરમ્યાન મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.શિરિષ કુલકર્ણીએ સંબોધનમાં શિક્ષણ માટે શિષ્યવૃતિની પ્રવૃતિને બિરદાવી હતી. કાર્યકરોની ધગશ, ઉત્સાહ અને શિક્ષણ સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત યુનિવર્સિટીમાં ભણતાં વિદ્યાર્થીઓ માટે શું કરી શકાય તે સંદર્ભે વિસ્તારથી દિશાસૂચન કર્યુ હતું.  વકતા જય વસાવડાએ સૌને પ્રેરણા મળે તેવા બળનું સિંચન કર્યુ હતું. તેમજ સ્વ.પૂજય ભકિતબા અને સ્વ.ગોપાલભાઇ દેસાઇના સુપુત્ર ડો.બારીન્દ્રભાઇ દેસાઇનું સન્માન કરાયુ હતું. સમારંભના વરિષ્ઠ મહેમાન અશોકભાઇ પટેલે પ્રેરણાદાયી પ્રવચન કર્યુ હતું. મૂળ ચાંગાના વતની અને ડેવલોપર અશોકભાઇને ડો.અબ્દુલ કલામે વિશિષ્ટ ભૂતપૂર્વનું એવોર્ડ આપ્યો હતો. ભૂતપૂર્વ કુલપતિ આર.ડી.પટેલની જન્મ શતાબ્દી નિમિતે સમારંભમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઇ પટેલે તેઓના કાર્યની વિસ્તારથી માહિતી આપી હતી. મુખ્ય કાર્યક્રમ પૂર્વે બે સેમિનારે કુ.દુલારી અમીને નવા સાહસની સંપૂર્ણ માહિતી આપી. સરદાર પટેલ યુનિવર્સિટી તથા હાર્વર્ડ યુનિવર્સિટી શિક્ષિત દુલારી ભારતીય યુવતિઓમાં અમેરિકા ખાતે આગવું સ્થાન ધરાવે છે. દુલારીએ ખીચોખીચ ભરેલા સભાખંડને મુગ્ધ કર્યુ. શ્રી માઇકેલ ગોરમેન નામના પ્રસિધ્ધ વકીલ એસ્ટેટ યોજના વિષે માહિતી આપી.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં અમેરિકાની ટિમસી, ઝેડ પટેલ, ડી ડી પટેલ, હર્ષદ પટેલ, રતિભાઇ પટેલ, ભારત પટેલ, મહેન્દ્ર પટેલ, ધર્મેશ પટેલ, ચીનુભાઇ જાની, અલાય પટેલ,જતીન પટેલ, કમલેશ પટેલ, પિયુષ પટેલ, રૂમ પટેલ, રશ્મિ પટેલ, મિલેશ પટેલ, સચિન પટેલ, પ્રકાશ પટેલ, હિના પટેલ, કમલેશ પટેલ, રિના પટેલ હસમુખ પટેલ અને હરિભાઇ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી.

(8:48 pm IST)