મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

ગૃહમાં પ્રજ્ઞા ઠાકુરે ફરી ગોડસેને દેશભક્ત કહેતા વિપક્ષ લાલઘૂમ

રેકોર્ડમાંથી નિવેદનને હટાવવામાં આવશે : ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરી એકવખત લોકસભામાં ગાંધીના હત્યારા ગોડસેને દેશભક્ત કહેતા ગૃહમાં હોબાળો

નવીદિલ્હી, તા. ૨૭ : ભોપાલમાંથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ફરી એકવાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યું હતુ. આ વખતે તેઓએ લોકસભામાં આ વાત કરી હતી. પ્રજ્ઞા ઠાકુરે લોકસભામાં એક ચર્ચા દરમિયાન ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા જેથી વિપક્ષી સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આવા જ એક નિવેદનના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહેવું પડ્યું હતું કે, તેઓ પ્રજ્ઞા ઠાકુરને ક્યારે પણ દિલથી માફ નહીં કરે. ચર્ચા દરમિયાન ડીએમકેના સાંસદ એ રાજા ગોડસેના એક નિવેદન ટાંકીને કહી રહ્યા હતા કે, મહાત્મા ગાંધીને કેમ મરાયા તો સાધ્વી પ્રજ્ઞાએ તેમને ટકોર કરી હતી. ભાજપ સાંસદે કહ્યું હતું કે, આપ એક દેશભક્તનું ઉદારણ ન આપી શકો. રાજાએ કહ્યું હતું કે, ગોડસેને ખુદ કબૂલાત કરી હતી કે, ૩૨ વર્ષોથી તેણે ગાંધી વિરુદ્ધ ગુસ્સો રાખ્યો હતો અને છેલ્લે તેમની હત્યા કરવાનો નિર્ણય કર્યો હતો.

                      રાજાએ કહ્યું હતું કે, ગોડસેએ ગાંધીજીની હત્યા એટલા માટે કરી હતી કે તે એક ખાસ વિચારાધારામાં માનતા હતા. રાજાના નિવેદન સમયે ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ઉભા થઇ તેમને ટકોર કરતા વિપક્ષી સભ્યો વિરોધ કર્યો અને ભાજપના અનેક સભ્યો ભોપાલની સાંસદને પોતાની જગ્યા પર બેસવા માટે મનાવવા લાગ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને લોકસભા ચૂંટણી દરમિયાન પણ નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા જેના પર જોરદાર વિવાદ થયો હતો. એટલે સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કહેવું પડ્યું હતું કે, આ નિવેદનના કારણે તેઓ પ્રજ્ઞા ઠાકુરને ક્યારે દિલથી માફ કરી શકશે નહીં. તેના પર પ્રજ્ઞા ઠાકુરે તેમને અઠકાવીને કહ્યું કે તમે એક દેશભક્તનું ઉદાહરણ ન આપી શકો. તેના પર રાજાએ કહ્યું- ગોડસેએ પોતે સ્વીકાર કર્યો હતો કે તેઓ ૩૨ વર્ષથી ગાંધીજી સાથે સહમત ન હતા. ત્યારબાદ તેમની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સાંસદ પ્રજ્ઞાઠાકુરે ગોડસેને દેશભક્ત કહ્યા હતા.

(8:12 pm IST)