મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

ર૬/૧૧ હુમલાના દોષિતોને પાકે હજી પણ નથી આપી સજા

અમેરિકાનો પાકિસ્તાન પર આક્ષેપ

 વોશિંગ્ટન :.. મુંબઇ પર ૧૧ વર્ષ પહેલા થયેલા આતંકવાદી હુમલાની તિથી પર અમેરિકાએ પીડિતોને યાદ કરતા કહયું કે આ જધન્ય અપરાધના દોષિતોને ન્યાય ના કઠેડામાં લાવવા જોઇએ. ર૬/૧૧ મુંબઇ હૂમલો ભારતના ઇતિહાસમાં અત્યંત ભયાનક આતંકવાદી હૂમલાઓમાંનો એક હતો. તેમાં ૧૬૬ લોકો માર્યા ગયા હતા અને ૩૦૦ થી વધારે ઘાયલ થયા હતાં. ર૬ નવેમ્બર ર૦૦૮ ના પાકિસ્તાનથી દરિયાઇ રસ્તે આવેલા ૧૦ આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો હતો.

અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પીઓએ હૂમલામાં માર્યા ગયેલા લોકોને યાદ કરતાં કહયું કે ષડયંત્રકારીઓને હજુ સુધી સજા ન મળવી તે પીડિતો અને તેમના પરિવારનું અપમાન છે. આ હુમલામાં છ અમેરિકન નાગરીકોના મોત થયા હતં. પોમ્પીઓએ વિદેશ મંત્રાલયની ફોગી બોટમ હેડ ઓફીસની બહાર પત્રકારોને કહયું કે આ કાયર હુમલાએ આખી દુનીયાને હચમચાવી નાખી હતી. જયારે દક્ષિણ અને મધ્ય એશિયાની કાર્યવાહક સહાયક વિદેશ પ્રધાન એલિસે વેલ્સે આ હુમલામાં માર્યા ગયેલાના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.

જયારે અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવકતા મોર્ગન ઓર્ટાગસે હુમલાની ૧૧ મી તિથી પર ટવીટ કરતા લખ્યું. '૧૧ વર્ષ પહેલા આતંકવાદની કાયર કાર્યવાહીમાં છ અમેરિકન નાગરીકો સહિત ૧૬૬ લોકોના મોત થયા હતાં. આજે અમે મુંબઇ હુમલાના પીડિતો યાદ કરીએ છીએ.' ભારતીય અમેરિકન અને વિભીન્ન સંગઠન વોશિંગ્ટન ખાતે અવેલ પાકિસ્તાની દૂતાવાસ સામે મુંબઇ આતંકવાદી હૂમલામાં પાકિસ્તાનની ભુમિકા પર વિરોધ દર્શાવીને એક રેલી કાઢીશું. વિરોધ રેલીના આયોજકોએ કહયું કે મુંબઇ આતંકવાદી હૂમલાના દોષિતો પાકિસ્તાનમાં આઝાદી પૂર્વક ફરી રહ્યા છે.

અમેરિકા ઉપરાંત ઇઝરાઇલે પણ મુંબઇ હૂમલાના દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવાની માગણી પાકિસ્તાન પાસે કરી છે. ઇઝરાઇલી વિદેશ મંત્રાલયના ઉપ મહાનિર્દેશક ગિલાડ કોહેને કહયું છે કે અમે ભારતની જનતાની સાથે ઉભા છીએ.

(3:53 pm IST)