મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

ડિસેમ્બરના શરૂઆતના દિવસોમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થશે : ૧૫ થી ૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતથી રાજસ્થાન સુધી આવતીકાલ સુધી વરસાદ પડશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૩ ડિસેમ્બર સુધીની આગાહી : આવતા મહિનાની શરૂઆતના દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થશે

રાજકોટ, તા. ૨૭ : નવેમ્બર મહિનો પૂર્ણ થવામાં છે આમ છતાં શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી. દરમિયાન ડિસેમ્બરના શરૂઆતના દિવસોમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. દિવસ દરમિયાન પવનની ઝડપ પણ વધશે. શિયાળુ પવનો ફૂંકાશે. કયારેક કયારેક વાદળો પણ છવાશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે હાલમાં લઘુતમ તાપમાન ૨ થી ૫ ડિગ્રી ઉંચુ રહે છે. અમદાવાદ ૧૯.૫ (નોર્મલથી ૫ ડિગ્રી ઉંચુ), ભુજ ૧૮.૪ (નોર્મલથી ૫ ડિગ્રી ઉંચુ), સુરત ૨૩ (નોર્મલથી ૫ ડિગ્રી ઉંચુ), વડોદરા - ૨૦ ડિગ્રી (નોર્મલથી ૪ ડિગ્રી ઉંચુ), નલીયા - ૧૬ (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ), રાજકોટ - ૧૮.૨ (નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ) નોંધાયેલ.

અશોકભાઈએ તા.૨૭ નવે. થી તા.૩ ડિસે. સુધીની આગાહી કરતા જણાવેલ કે, ન્યુનતમ તાપમાન આગામી સમયમાં ક્રમશઃ ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. જેમાં ડિસેમ્બરમાં દિવસોમાં વધુ શકયતા છે. જેથી લઘુતમ તાપમાન નોર્મલ નજીક આવી જશે. હાલમાં રાજકોટ શહેરમાં નોર્મલ તાપમાન ૧૬ ડિગ્રી અને અમદાવાદ શહેર નોર્મલ તાપમાન ૧૫ ડિગ્રી કહેવાય. આગાહી સમયમાં પવન શિયાળુ ફૂંકાશે. દિવસ દરમિયાન ૧૫ થી ૨૦ કિ.મી.ની ઝડપે પવન ફંૂકાશે. ભેજ હાલમાં મધ્યમ છે. જે ડિસેમ્બરના શરૂઆતના દિવસોમાં ઘટશે.  હાલમાં વાદળછાયા વાતાવરણના લીધે મહત્તમ તાપમાન નોર્મલ આસપાસ રહે છે. કયારેક કયારેક વાદળો બનશે. ખાસ કરીને તા.૩ ડિસે. આસપાસ વાદળાઓનું પ્રમાણ વધશે.

હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય તેની અસર રૂપે ઉત્તર ભારતથી રાજસ્થાન સુધી આવતીકાલ સુધી વરસાદની અસર જોવા મળશે.

(2:48 pm IST)