મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

અલ્બેનિયામાં ભૂકંપનો હાહાકારઃ ૨૩ મોતઃ અનેક લોકો કાટમાળ હેઠળ

તિરાના,તા.૨૭: અલ્બેનિયામાં ગઈકાલે  સવારે ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ૨૩ લોકોનાં મોત નીપજયા હતા. ઈજાગ્રસ્ત થયા હતા. ભૂકંપના કારણે અનેક ઈમારતો તૂટી પડી હતી તથા ઘણા લોકો લાપતા થયા છે. સાથો- સાથ અનેક  લોકો દટાયા હોવાની આશંકા છે. હજી મૃત્યુઆંક વધવાની શકયતા છે. દરમિયાન રેસ્કયુ ક્રુ દ્વારા બચાવ અભિયાનની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ઈમારતોનો કાટમાળ હટાવવા માટે એકસકેવેટર્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

દક્ષિણ બાલ્કન દેશમાં મંગળવારે વહેલી સવારે ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ પછી કેટલાક આફટર શોકસ પણ આવ્યા હતા. આ ભૂકંપ પછી નજીકમાં બોસ્નિયામાં પણ સારાજેવો ખાતે ૫.૪ની તીવ્રતાનો વધુ એક મોટો આંચકો નોંધાયો હતો. ગ્રીસ અને કોસોવોએ અલ્બેનિયાને બચાવ અભિયાનમાં મદદની ખાતરી આપી છે.

ભૂકંપના પગલે ત્રણ ઈમારતો પડી ગઈ હતી. ભૂકંપ વહેલી સવારે આવ્યો હોવાથી અનેક લોકો સૂતા હતા ત્યારે ઈમારતો પડવાથી તેના કાટમાળમાં અનેક લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. કાટમાળમાં ફસાયેલ લોકોને બહાર કાઢવા માટે રેસ્કયુ ક્રુ સતત કામ કરી રહ્યું છે. આ કાટમાળામાં કેટલા લોકો દટાયા છે તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. યુએસ જિઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, અલ્બેનિયામાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું એપી સેન્ટર તિરાનાથી ઉત્તર પશ્ચિમે ૩૦ કિ.મી. દૂર અને ૩૦ કિ.મી.ઊંડાઈ પર હતું  આ ભૂકંપ પછી અનેક આફ્ટર શોક આવ્યા હતા, જેમાં ૫.૧ અને ૫.૪ એમ બે આફ્ટર શોક નોંધાયા હતા.

વડાપ્રધાન ઈદી રામે જણાવ્યું હતું કે, 'આ મુશ્કેલ સમયમાં આપણે શાંતી જાળવવી જોઈએ, એકબીજાની સાથે રહેવું જોઈએ.' તેમણે સહાય માટે તૈયારી દર્શાવવનાર બધા જ દેશોનો આભાર માન્યો હતો. રામે જણાવ્યું હતું કે પડોશી દેશો, યુરોપીયન યુનિયન અને અમેરિકાએ સહાય મોકલવાની તૈયારી દર્શાવી હતી. તેમણે આ સંદર્ભમાં તેમના ઈટાલીયન, ગ્રીક, અને તુર્કીશ વડાપ્રધાનો તથા તિરાનામાં ઈયુ અને અમેરિકન દૂતાલયો સાથે વાતચીત કરી હતી.

(1:03 pm IST)