મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

ઉધ્ધવ ઠાકરે માટે પણ રહેશે કપરા ચઢાણ

ભાજપ અંદરથી સમસમે છેઃ એકાદ-બે મહિનામાં ફરી નવાજુની? : ''નોટા''નો ત્રીજો અંક લખાવાનુ શરૂ થઇ ચુકયુ છેઃ શું શરદ પવાર ડ્રામાને બે અંક પુરતો સીમીત રાખી શકશે ખરા ?

મુંબઇ તા.૨૭: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી વરવી નૌટંકીનો અંત આવ્યો છે એમ કહી શકાય. ખરેખર? એમ કહી શકાય? બીજેપીની સત્તાલાલસાનો પ્રત્યક્ષ પરિચય સૌકોઈને થયા પછી એ સહેલાઈથી માની લેવું થોડું અઘરું છે ત્યારે સવાલ એ થાય છે કે હવે પૂરો થઈ ચૂકેલો ધ ગ્રેટ મહારાષ્ટ્રિયન પૉલિટિકલ ડ્રામા દ્વિઅંકી હતો અને ખતમ થઈ ગયો કે પછી ત્રિઅંકી છે અને ત્રીજો અંક ભજવાવાનો હજી બાકી છે?  બીજેપીનાં કેટલાંક આધારભૂત સુત્રો સાથે જ્યારે આ સંદર્ભે ચર્ચા કરી તો સૃત્રોએ જણાવ્યું કે આ ડ્રમાને ત્રિઅંકી બનાવવાના પૂરતા પ્રયાસ આગામી દિવસોમાં કરવામાં આવે એવી સંભાવના છે. બીજેપીનું શીર્ષસ્થ નેતૃત્વ ફૂટનીતિમાં મળેલી આ ધોબીપછાડને કોઈ કાળે પચાવી શકે એમ નથી. સહન કરી શકે એમ પણ નથી. એથી જો ૨૮ નવેમ્બરે આ સરકાર બને તો પણ ત્રણપ્રછ મહિના છોડો, પરંતુ એક-બે મહિના પણ પુરા ન કરી શકે એવું પણ બની શકે અને જ્યારે આવું બને ત્યારે જનતાની નજરમાં બીજેપી પ્રત્યે સહાનુભૂતિ ઊભી થાય અને શિવસેના-એનસીપી-કોન્ગ્રેસ લોકોની નજરમાંથી ઊતરી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવશે. સૂત્રો વધુમાં જણાવે છે કે બીજેપીને ભૂલ સમજાઈ ચૂકી છે. સૌને અંધારમાં રાખીને ફડણવીસ-અજિત પવારની સરકાર રચવારૂપી પગલું બુમરેન્ગ સાબિત થયું છે. એથી ફરી વાર એવું કોઈ પગલું નહીં ભરે જેનાથી જનતાની નજરમાં પોતાની છબિને વધુ નુકસાન પહોંચે, પરંતુ એટલું ચોક્કસ છે કે મહા વિકાસ અઘાડીની સરકાર બની તો પહેલાં એકથી બે મહિના ભારે મુશ્કેલ બની રહેશે. જો સૂત્રોનું માનીએ તો કદાચ નાટકનો ત્રીજો અંક લખાવાનું શરૂ થઈ ચુક્યું છે. જોવાનું એ રહેશે કે શું શરદ પવાર આ ડ્રામાને ફકત બે અંક પૂરતો સીમિત રાખી શકશે ખરા?

(11:54 am IST)