મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની શપથ ગ્રહણ વિધી દરમિયાન સુપ્રિયા-અજીતનો 'ભરત મિલાપ'

સુપ્રિયા સુલેએ વિધાનસભામાં ફડણવીસ અને ઠાકરેનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ

નવી દિલ્હી, તા.૨૭: મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ થઈ ગયું છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધારાસભ્ય પદ માટે શપથ ગ્રહણ કર્યા છે. તમામ ધારાસભ્યોના શપથ ગ્રહણ વિધીનો સિલસિલો ચાલી રહ્યો છે. ફડણવીસ બાદ છગલ ભુજબલ, અજિત પવાર, જયંત પાટિલ, બાબાસાહેબ થોરાટ સહિતના અન્ય ધારાસભ્યો શપથ ગ્રહણ કરી લીધા છે. 

આ દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવારના દીકરી સુપ્રીયા સુલે અને ભાજપ સાથે ગઠબંધન કરીને પાર્ટીમાં પરત ફરનાર ભત્રિજા અજીત પવાર એકબીજાને ગળે ભેટ્યા હતા.

એનસીપી નેતા રોહિત પવારે કહ્યું કે અમે ખુશ છીએ કે અજીત પવાર પાર્ટીમાં પરત ફર્યા છે, અને આજે તે અમારી સાથે છે. તેઓ એનસીપીના અભિન્ન અંગ સમાન છે અને હવે અમે તેમની દેખરેખ હેઠળ કામ કરીશું.

નેતાઓ વિધાનસભા પહોંચવા લાગ્યા છે. એનસીપી નેતા સુપ્રિયા સુલે વિધાનસભામાં બધાનું સ્વાગત કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિધાનસભા પહોંચ્યા હતા જયાં સુપ્રિયા સુલેએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

સુપ્રિયા સુલેએ ઉદ્ઘવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને ભેટીને તેનું સ્વાગત કરીને તેને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉદ્ઘવ ઠાકરે આજે પરિવાર સહિત રાજયપાલની મુલાકાત કરશે. નોંધનીય છે કે તેમણે ૩ ડિસેમ્બર સુધીમાં વિધાનસભામાં પોતાની સરકારની બહુમતી સાબિત કરવાની છે. તેમની પાસે બહુમતી સાબિત કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.

(11:53 am IST)