મુખ્ય સમાચાર
News of Tuesday, 27th November 2018

અયોધ્યા મામલે વટહુકમ નહિઃ સુપ્રિમ કોર્ટના આદેશની રાહ જોવાશે

શિયાળુ સત્રમાં રામ મંદિર નિર્માણ માટે બીલ કે તે પછી વટહુકમ લાવવાની અટકળો ઉપર ભાજપના અધ્યક્ષે પૂર્ણવિરામ લગાવી દીધુઃ અમારા હાથમાં હોત તો મામલો ઘણો વહેલો ઉકેલાઈ ગયો હોતઃ ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તા બચાવી લેશેઃ ૨૦૧૯ની ચૂંટણી પણ ભાજપ જ જીતશે

નવી દિલ્હી, તા. ૨૬ :. અયોધ્યા મામલામાં હિન્દુ સંગઠનો, સંતો દ્વારા ધર્મસભા યોજી મોદી સરકાર ઉપર વટહુકમ લાવવાનું દબાણ લાવવામાં આવ્યુ છે પરંતુ આવા વટહુકમનો કોઈ સંકેત મળતો નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યુ છે કે સરકાર આવતા વર્ષના જાન્યુઆરીમાં સુપ્રિમ કોર્ટની સુનાવણીની રાહ જોશે. આ સાથે શિયાળુ સત્રમાં રામ મંદિર નિર્માણ માટે બીલ કે તે પછી વટહુકમ લાવવાની અટકળો પર વિરામ લાગી ગયુ છે.

અમિત શાહે જણાવ્યુ છે કે મામલો સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ છે અને તેની સુનાવણી સુધી આપણે રાહ જોવી જોઈએ. ભાજપના અધ્યક્ષના આ નિવેદનથી એવો સંકેત મળે છે કે સરકારે હજુ સુધી વટહુકમની મદદથી અયોધ્યામાં વિવાદીત સ્થળે રામ મંદિર નિર્માણનો ફેંસલો લીધો નથી. તેમણે કહ્યુ હતુ કે પક્ષ અને સરકાર સુપ્રિમ કોર્ટની સુનાવણી સુધી રાહ જોશે. તેમણે આશા વ્યકત કરી હતી કે જાન્યુઆરીમાં સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થશે અને બધુ ઠીક થઈ જશે.

તેમણે જણાવ્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટમાં આ મામલો ૯ વર્ષથી વિચાર હેઠળ છે. કોંગ્રેસની જેમ ભાજપે સુપ્રિમ કોર્ટમાં કદી નથી કહ્યુ કે, કેસને ટાળવામાં આવે. અમિત શાહે કહ્યુ હતુ કે અમારૂ ચાલતુ હોત તો આ મામલો અગાઉથી જ ઉકેલી લેવાયો હોત.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ભાજપ ત્રણેય રાજ્યોમાં પોતાની સત્તા બચાવી લેશે. તેમણે લોકોનો સંતોષ હોવાની વાત નકારી કાઢી હતી. તેમણે કહ્યુ હતુ કે ૩ રાજ્યોના પરિણામોથી પીએમ મોદીની છબી મજબુત થશે અને ૨૦૧૯ની ચૂંટણી પણ અમે જીતશું. અયોધ્યા અંગે તેમણે કહ્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટનો ફેંસલો મંદિરના જ પક્ષમાં આવશે. તેમણે કોંગ્રેસ પર આરોપ મુકતા કહ્યુ હતુ કે, આ મામલો ૯ વર્ષથી પેન્ડીંગ હોવા છતા કોંગ્રેસે તેની સુનાવણી ૨૦૧૯ની ચૂંટણી સુધી ટાળવાની વાત કરી હતી. રામ મંદિરનું નિર્માણ પક્ષની પ્રતિબદ્ધતા છે.(૨-૫)

(12:00 am IST)