મુખ્ય સમાચાર
News of Wednesday, 27th October 2021

કેન્દ્ર સરકારના તમામ કર્મચારી અને અધિકારી કામ માટે એર ઈન્ડિયામાં જ મુસાફરી કરશે: નાણામંત્રાલયની સૂચના

નાણા મંત્રાલયે તમામ મંત્રાલયોને એરલાઈનની બાકી રકમ ચૂકવવા કહ્યું : એરલાઈન પાસે રોકડામાં ટિકિટ ખરીદવાનો નિર્દેશ આપ્યો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કર્મચારી અને અધિકારી LTC સહિત અન્ય કાર્યાલયના કામ માટે એર ઈન્ડિયામાં જ મુસાફરી કરશે. આ સંબંધિત નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે તમામ મંત્રાલયો અને વિભાગોને નિર્દેશ આપ્યા છે. ત્યારે એર ઈન્ડિયાએ મંત્રાલયોની ક્રેડિટ સુવિધા પણ સમાપ્ત કરી દીધી છે અને નાણા મંત્રાલયે તમામ મંત્રાલયોને એરલાઈનની બાકી રકમ ચૂકવવા જણાવ્યું છે. સાથે જ એરલાઈન પાસે રોકડામાં ટિકિટ ખરીદવાનો નિર્દેશ આપ્યો છે.

હાલમાં જ કેન્દ્ર સરકારે ટાટા સન્સની સાથે એર ઈન્ડિયાની ખરીદી માટે 18000 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આ મહિનાની શરૂઆતમાં સરકારે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના એકમ ટેલેસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 2700 કરોડ રૂપિયારોકડા ચૂકવવા અને એરલાઈનનું કુલ દેવુ 15,300 કરોડ રૂપિયાથી વધારેની જવાબદારી લેવાના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો હતો.

ત્યારબાદ 11 ઓક્ટોબરના રોજ ટાટા જૂથને ઈરાદાનો પત્ર (LOI) જારી કરવામાં આવ્યો હતો. જેમાં પુષ્ટી કરવામાં આવી હતી કે સરકાર એરલાઈન્સમાં પોતાની 100 ટકા ભાગીદારી વેચવાની ઈચ્છા રાખે છે. ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) વિભાગના સચિવ તુહિન કાંત પાંડેએ ટ્વીટર પર લખ્યું, 'સરકારે આજે એર ઈન્ડિયાના વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટ માટે ટાટા સન્સ સાથે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.'

એર ઈન્ડિયાના ડિરેક્ટર (નાણા) વિનોદ હેજમાડી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સત્યેન્દ્ર મિશ્રા અને ટાટા ગ્રુપના સુપ્રકાશ મુખોપાધ્યાયે શેર ખરીદી કરાર (SPA) પર હસ્તાક્ષર કર્યા હતા. ટાટા સન્સે હવે ડિસેમ્બરના અંત સુધીમાં એરલાઈનની સત્તા હાથમાં લેતા પહેલા કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) સહિત વિવિધ નિયમનકારી સંસ્થાઓ પાસેથી મંજૂરી લેવી પડશે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની 100 ટકા માલિકીના વેચાણની સાથે સરકાર એર ઈન્ડિયાની ગ્રાઉન્ડ હેન્ડલિંગ આર્મ AISATSમાં એર ઈન્ડિયાના 50 ટકા હિસ્સાનું પણ વિનિવેશ કરી રહી છે

(9:45 pm IST)