મુખ્ય સમાચાર
News of Wednesday, 27th October 2021

રશિયન શસ્ત્રો વીના ભારતીય સેના બિનઅસરકાર : યુએસ

રશિય સાથે સોદા બદલ ભારત પર પ્રતિબંધની માગ : ભારતીય હથિયારોની ખરીદીમાં ૬૨ ટકા રશિયાનો ફાળો

વોશિંગ્ટન, તા.૨૭ : રશિયન એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ ખરીદવા બદલ ભારત પર પ્રતિબંધ મુકવાની અમેરિકામાં ઉઠેલી માંગણી વચ્ચે અમેરિકન કોંગ્રેસના એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, રશિયાના હથિયારો વગર ભારતીય સેના અસરકારક રીતે કામ કરી શકે તેમ નથી.

આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, ૨૦૧૦ બાદ ભારતીય હથિયારોની ખરીદીમાં ૬૨ ટકા ફાળો રશિયાના હથિયારોનો રહ્યો છે. ભારતના હથિયારોમાં રશિયન શસ્ત્રોનો મોટો ફાળો છે. નૌસેનાના ૧૦ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર જહાજોમાંથી ચાર રશિયન છે. આ સિવાયના બીજા ૧૭ યુધ્ધ જહાજો પૈકી ૬ રશિયન છે. નૌસેનાએ રશિયા પાસે એક ન્યુક્લિયર સબમરિન લીઝ પર લીધેલી છે. ભારતની ૧૪ સબમરિનોમાંથી આઠ રશિયન છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, ૨૦૧૫ બાદ રશિયન હથિયારોની ખરીદી ઓછી થઈ રહી છે પણ જે હથિયારો અત્યારે ખરીદયા છે તેના સપ્લાય માટે પણ ભારતે રશિયા પર આધાર રાખવો પડે તેમ છે. આ સંજોગોમાં નજીકના ભવિષ્યમાં ભારતની રશિયા પરની નિર્ભરતા યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા પોતાના કાયદા હેઠળ રશિયા પાસે હથિયાર ખરીદનારા દેશો પર પ્રતિબંધ મુકતુ હોય છે અને આ પ્રકારનો પ્રતિબંધ ભારત પર પણ મુકવા માટે વિચારણા ચાલી રહી છે.

(9:17 pm IST)