મુખ્ય સમાચાર
News of Wednesday, 27th October 2021

સટ્ટો રમાડતી કંપનીને BCCIએ આઈપીએલની ટીમ આપી

IPLની નવી ટીમોની ખરીદી અંગે પૂર્વ કમિશનરનો સવાલ : લલિત મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, મને તો લાગે છે કે, સટ્ટો રમાડતી કંપનીઓ પણ હવે ટીમ ખરીદી શકે છે

લંડન, તા.૨૭ : આઈપીએલની આગામી સીઝનમાં ૮ની જગ્યાએ ૧૦ ટીમો ભાગ લેશે.સોમવારે દુબઈમાં નવી બે ટીમોની હરાજી થઈ હતી. જેમાં લખનૌની ટીમને આરપી-સંજીવ ગોએક્ના ગ્રુપે ૭૦૯૦ કરોડ રૂપિયામાં અને સીવીસી કેપિટલ પાર્ટનર્સે અમદાવાદની ટીમને ૫૬૨૫ કરોડ રૂપિયામાં ખરીદી છે.

જોકે આ સમગ્ર પ્રક્રિયા પર આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીએ સવાલો ઉભા કરીને મોટો આક્ષેપ કર્યો છે કે, ભારતના ક્રિકેટ બોર્ડે સટ્ટો રમાડતી કંપનીને ટીમ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. લલિત મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, મને તો લાગે છે કે, સટ્ટો રમાડતી કંપનીઓ પણ હવે ટીમ ખરીદી શકે છે. કદાચ આ કોઈ નવો નિયમ ભારતના ક્રિકેટ બોર્ડે બનાવ્યો છે. કારણકે બોલી લગાવનાર પૈકી એક ક્વોલિફાય થયા છે અને તે સટ્ટો રમાડતી બહુ મોટી કંપનીના માલિક છે. એવુ સમજવુ રહ્યુ કે, ક્રિકેટ બોર્ડે પોતાનુ હોમવર્ક બરાબર કર્યુ નથી. હવે આ મામલામાં એન્ટી કરપ્શન યુનિટ શું કરશે?

લલિત મોદીએ બીજા ટ્વિટમાં કહ્યુ હતુ કે, બેટિંગ કંપનીઓ પણ એક ટીમની માલિક બની શકે છે અને તેનાથી આગળ કશું બચતુ નથી.

કદાચ મોદી જે કંપનીનો ઉલ્લેખ કરી રહ્યા છે તે સીવીસી કેપિટલ હોઈ શકે છે. કારણકે મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ કંપનીએ બેટિંગ કંપનીઓમાં મોટા પાયે રોકાણ કર્યુ છે. આ સ્થિતિ ક્રિકેટ બોર્ડ માટે આગામી દિવસોમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આઈપીએલની શરૂઆત પાછળનુ મુખ્ય ભેજુ લલિત મોદી ગણાય છે. તેઓ પહેલા આઈપીએલ કમિશનર બન્યા હતા પણ ૨૦૧૦માં મની લોન્ડરીંગ અને કરપ્શનના આરોપો બાદ તેમણે દેશ છોડી દીધો હતો.

(9:16 pm IST)