મુખ્ય સમાચાર
News of Wednesday, 27th October 2021

બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ થઇ જેમાં મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકને અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ટિપ્પણી ના કરવા જણાવ્યું

પીઆઈએલ દાખલ કરનાર કૌસર અલીએ પોતાને એક મૌલવી અને ડ્રગ્સ વ્યસનીઓના પુનર્વસન માટે કામ કરનાર વ્યક્તિ ગણાવ્યા

મુંબઇઃ કૌસર અલી નામના અરજદારે બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે, જેમાં મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકને અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ટિપ્પણી ના કરવા જણાવ્યું છે.

મંગળવારે પીઆઈએલ દાખલ કરનાર કૌસર અલીએ પોતાને એક મૌલવી અને ડ્રગ્સ વ્યસનીઓના પુનર્વસન માટે કામ કરનાર વ્યક્તિ ગણાવ્યા છે. અલીએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે, તેઓ મલિકને NCB અથવા આર્યન ખાન કેસ સાથે જોડાયેલી અન્ય કોઈપણ તપાસ એજન્સી અને આવી એજન્સીઓના અધિકારીઓ વિરુદ્ધ કોઈ ટિપ્પણી ના કરવા નિર્દેશ આપે.

અરજદારનું કહેવું છે કે, આવા ખોટા આરોપોથી તપાસ એજન્સીઓનું મનોબળ હટી જશે અને ડ્રગ્સના ઉપયોગને પ્રોત્સાહન મળશે.

નવાબ મલિકના તાજેતરના કેટલાક ટ્વીટનો ઉલ્લેખ કરીને, પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે, એનસીપીના મંત્રીઓ સતત ટ્વિટ કરીને એનસીબી અને તેના અધિકારીઓ સમીર વાનખેડેનું મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે,વાનખેડેની દેખરેખ હેઠળની એનસીબી તાજેતરના સમયમાં સૌથી અસરકારક એજન્સી સાબિત થઈ છે.

બોમ્બે હાઈકોર્ટે હજુ સુધી અરજી પર સુનાવણીની તારીખ નક્કી કરી નથી. NCBએ 3 ઓક્ટોબરે આર્યન ખાન અને તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ, ફેશન મોડલ મુનમુન ધામેચા અને કેટલાક અન્ય લોકોની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. NCBએ મુંબઈના દરિયાકાંઠે એક ક્રુઝ પર દરોડા પાડીને ડ્રગ્સ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(5:32 pm IST)