મુખ્ય સમાચાર
News of Wednesday, 27th October 2021

એનસીપીના કેબીનેટ પ્રધાન નવાબ મલિકનો ધડાકો : સમીર વાનખેડેનું નિકાહનામું જાહેર કર્યુ

મુંબઈ : જ્યારથી એનસીબીએ આર્યન ખાનની ધરપકડ કરી છે, ત્યારથી જ આ કેસને લઈને અવનવા અપડેટ સામે આવી રહ્યાં છે. નવાબ મલિક સમીર વાનખેડે ઉપર અત્યાર સુધીમાં અનેક આરોપો લગાવી ચૂક્યા છે, તેથી આ કેસમાં પ્રતિદિવસ નવા-નવા વળાંકો આવી રહ્યાં છે. તેવામાં એક વખત ફરીથી એનસીપી નેતા નવાબ મલિકે એનસીબીના ડાયરેકટર સમીર વાનખેડે અંગે આજે ચોંકાવનારો ખુલાસો કરતાં અત્યાર સુધીનો સૌથી મોટો આરોપ લગાવ્યો છે.

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે નારકોટિકસ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડે પર નવો આરોપ લગાવ્યો છે. તેમાં નવાબ મલિકે સમીર વાનખેડેનું કથિત 'નિકાહનામુ' જાહેર કર્યું છે. તેમણે જાહેરાત કરી હતી કે જો તેમના દ્વારા રજૂ કરાયેલા કોઈપણ દસ્તાવેજો નકલી હોવાનું જણાશે તો તેઓ તાત્કાલિક રાજીનામું આપી દેશે.

નવાબ મલિકે લખ્યું હતું કે, 'વર્ષ ૨૦૦૬માં ૭ ડિસેમ્બર, ગુરૂવારે રાતે ૮ વાગ્યે સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરૈશીના નિકાહ થયા હતા. આ નિકાહ મુંબઈના અંધેરી (વેસ્ટ)ના લોખંડવાલા કોમ્પ્લેકસ ખાતે થયા હતા.'

અન્ય એક ટ્વીટમાં મહારાષ્ટ્રના મંત્રીએ લખ્યું હતું કે, 'નિકાહમાં ૩૩ હજાર રૂપિયા મેહર તરીકે આપવામાં આવ્યા હતા. તેમાં સાક્ષી નંબર ૨ અઝીઝ ખાન હતા. તેઓ યાસમીન દાઉદ વાનખેડેના પતિ છે જે સમીર દાઉદ વાનખેડેની બહેન છે.'

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે મંગળવારે ટ્વિટ કરીને સમીર વાનખેડે પર ૨૬ આરોપો લગાવ્યા હતા અને એન્ટી નાર્કોટિકસ એજન્સીની આડમાં વસૂલી થતી હોવાનું કહ્યું હતું.

(12:23 pm IST)