મુખ્ય સમાચાર
News of Monday, 26th October 2020

ઉત્તર પ્રદેશમાં ગૌ હત્યા કાયદાનો વધતો દુરુપયોગ : અલ્હાબાદ હાઇકોર્ટે ગંભીર નોંધ લઇ ચિંતા વ્યક્ત કરી

કોઈ માંસ કબ્જે લેવાય તેને ગૌમાંસ તરીકે જ દર્શાવાય છે તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલાતા નથી : ગો સંરક્ષણ ગૃહ અને ગૌશાળા વૃદ્ધ અને દૂધ ના આપનાર પશુઓને લેતા નથી

 

લખનઉ: ઉત્તર પ્રદેશમાં ગૌ હત્યા કાયદાનો સતત દુરુપયોગને લઇને ઇલાહાબાદ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. તેની સાથે કોર્ટે ગૌ હત્યા અને ગૌ માંસના વેચાણના આરોપીની જામીનને મંજૂર કરી છે. કોર્ટે આરોપી રહમૂ ઉર્ફ રહમુદ્દીનને શરતો સાથે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ સિદ્ધાર્થની સિંગલ બેંચે આદેશ આપ્યો છે.

કોર્ટે જણાવ્યું કે જ્યારે પણ કોઈ માંસ કબ્જે કરવામાં આવે છે, તો તેને ગૌ માંસ તરીકે દર્શાવવામાં આવે છે. ઘણી વાર તેને તપાસ માટે ફોરેન્સિક લેબમાં પણ મોકલવામાં આવતો નથી.

કોર્ટે ઉમેર્યું કે જ્યારે પણ કોઈ ગૌવંશ કબ્જે કરવામાં આવે છે તો કોઈ રિકવરી મેમો તૈયાર કરવામાં આવતુ નથી અને કોઈને પણ જાણ નથી હોતી કે કબ્જે કર્યા બાદ તેને ક્યા લઇ જવામાં આવ્યું. કોર્ટે જણાવ્યું કે ગો સંરક્ષણ ગૃહ અને ગૌશાળા વૃદ્ધ અને દૂધ ના આપનાર પશુઓને નથી લેતા.

તેના માલિકને પણ તેને પાળવામાં સક્ષમ નથી. તે પોલીસ અને સ્થાનિક લોકોના ભયના કારણે તેને કોઇ બીજા રાજ્યોમાં નથી લઇ જઇ શકતા. જેથી દૂધ ના આપનારા પશુઓને ખુલ્લો છોડી દેવામાં આવે છે અને તે ખેડૂતોના પાકને નુકશાન પહોંચાડે છે.

આવા ખુલ્લા મુકાયેલા પશુઓ રસ્તાઓ પર હોય કે ખેતરમાં તે સમાજને ગંભીર રીતે પ્રભાવિત કરે છે. તેને ગૌ સંરક્ષણ ગૃહ અથવા તેના માલિકોના ઘરે રાખવા માટે કોઈ રસ્તો શોધવાની જરૂર છે

(12:40 am IST)