મુખ્ય સમાચાર
News of Monday, 27th August 2018

સરકારી કર્મચારીનું સસ્પેન્શન અનિશ્ચિત મુદ્દત માટે હોય ન શકે

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ફેંસલોઃ સસ્પેન્શન સીમિત ગાળા માટે હોવું જોઈએઃ સુપ્રિમના ફેંસલાથી કર્મચારી વર્ગને રાહત

નવી દિલ્હી, તા. ૨૭ :. સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે સરકારી કર્મચારીનું સસ્પેન્શન અનિશ્ચિતકાળ માટે ન હોય શકે. તે એક સીમીત અવધી પુરતુ જ હોવું જોઈએ. આ ટીપ્પણી કરતા કોર્ટે એક આઈ.જી.નું છ વર્ષ જુનુ સસ્પેન્શન રદ્દ કર્યુ હતું. જસ્ટીસ એ.એસ. બોબ્ડેની પીઠે પોતાના ચુકાદામાં કહ્યું કે સરકારને એવું લાગે કે આરોપી પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે તેમ છે તો તેને બીજી કોઈ જગ્યાએ રાખી શકાય. તમિલનાડુના આઈ.જી. પ્રમોદીકુમાર પર એક કંપનીના નિર્દેશકો પાસેથી પૈસા લેવાનો આરોપ હતો. આ નિર્દેશકો રોકાણકારોના ૧૨૦૦ કરોડ ચાઉં કરી જવાના મામલામાં સંડોવાયેલા હતા. આઈ.જી.ને ગીરફતાર કર્યા પછી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

આઈ.જી. એ કેટમાં પોતાના વિરૂદ્ધની કાર્યવાહીને પડકારી હતી. કેટે ખાતાકીય પગલામાં હસ્તક્ષેપ કરવાની ના પાડી હતી પણ તેનું સસ્પેન્શન રદ કર્યુ હતું.

અધિકારીએ મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે સસ્પેન્શન સાથે આઈ.જી. વિરૂદ્ધની ખાતાકીય કાર્યવાહી પણ રદ કરી. અદાલતે કહ્યુ કે અધિકારીને અપાયેલી ચાર્જશીટને અનુશાસન ઓથોરીટીની મંજુરી નથી મળી. આની સામે સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે નિયમ ૮ એવું કહે છે કે, ચાર્જશીટ અનુશાસન સમિતી બનાવશે. આ નિયમને નજરઅંદાજ ન કરી શકાય.કર્મચારીઓને મોટી રાહત

આ ચુકાદાથી સરકારી કર્મચારીઓને મોટી રાહત મળી છે. આના લીધે તેમને લાંબા સમય સુધીના સસ્પેન્શન જેવી સજા નહી ભોગવવી પડે. આ પહેલા પણ કોર્ટે એવું કહ્યું જ છે લાંબા સમય સુધી ખેંચાતુ સસ્પેન્શન એક કલંક છે.

સુપ્રિમ વ્યવસ્થા

- આ પહેલા સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા કરી હતી કે કોઈપણ સરકારી કર્મચારીને તેના વિરૂદ્ધની ચાર્જશીટના અભાવમાં ૯૦ દિવસથી વધારે સસ્પેન્ડ ન રાખી શકાય.

- જો સસ્પેન્શન અનિર્ણીત સમય માટે હોય તો તે દંડાત્મક સ્વરૂપ લઈ લે છે.

- જો આરોપી અધિકારી અથવા કર્મચારીને ચાર્જશીટ ન અપાય અથવા જો ચાર્જશીટ આપી હોય તો પણ સસ્પેન્શનની મુદત વધારવામાં વિસ્તૃત આદેશ આપવો જોઈએ.(૨-૧)

(10:35 am IST)