મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

પેગાસસ જાસૂસીકાંડની નિષ્પક્ષ તપાસની માંગ :અગ્રણી પત્રકારો સુપ્રીમકોર્ટના શરણે

કેન્દ્રના ગૃહમંત્રાલય ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય તથા સંચાર મંત્રાલયને પ્રતિવાદી બનાવાયા

નવી દિલ્હી : વરિષ્ઠ પત્રકારો એન. રામ અને શશીકુમારે ઇઝરાયલના પેગાસસ સ્પાયવેર સામે થયેલા જાસૂસીના આક્ષેપો અંગે નિષ્પક્ષ તપાસની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

આવી સામૂહિક જાસૂસીથી કેટલાક મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે. એ, દેશના લોકતાંત્રિક માળખાના મહત્વપૂર્ણ આધારસ્તંભ જેવી સ્વતંત્ર સંસ્થાઓને અસ્થિર કરી એમના પર હુમલારૂપ બની રહી છે, એમ અરજીમાં જણાવાયું છે.

અરજદાર પત્રકારોએ શું સરકારે આ પ્રકારની જાસૂસી માટે પેગાસસને પરવાનગી આપી છે એવા પ્રશ્ન સાથે સરકાર તરફથી સંપૂર્ણ સ્પષ્ટતાની માગણી કરી છે. સરકારે હજી સુધી આ મુદ્દે કોઇ ફોડ પાડયો નથી એમ અરજીમાં ઉમેરાયું છે.

કેન્દ્રના ગૃહમંત્રાલય ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય તથા સંચાર મંત્રાલયને જેમાં પ્રતિવાદી બનાવાયા છે એવી આ અરજીમાં જણાવાયું છે કે ઉપરોક્ત મંત્રાલયોએ એમના પ્રતિભાવમાં પેગાસસે જાસૂસી માટે લાયસન્સ મેળવ્યું હોવાની વાતને સ્પષ્ટપણે નકારી કાઢી નથી. એટલું નહિ, આ મંત્રાલયોએ અત્યંત ગંભીર આક્ષેપો બાબત વિશ્વસનીય તથા સ્વતંત્ર તપાસ થાય એ માટે કોઇ પગલાં લીધા નથી.

પેગાસસ સ્પાયવેરે ટેલિગ્રાફ એકટની કલમ 5(2)ને બાજુએ હડસેલી દઇને દેશના નાગરિકોને લક્ષ્‍યાંક બનાવ્યા છે. એના દ્વારા થયેલા હેક તથા ઇન્ટરસેપ્શન જેવા કૃત્યો ફોજદારી ગુન્હો છે, એમ અરજદારોએ જણાવ્યું છે.

પેગાસસ સોફ્ટવેરના ઉત્પાદક ઇઝરાયલની સાયબર-આર્મ્સ કંપની એનએસઓ ગૃપ ટેકનોલોજીઝ લિમિટેડે પેગાસસ સોફટવેર સહિતના એના ઉત્પાદનો, વિશ્વની સરકારોને ગુન્હા અને ત્રાસવાદ સામે લડવા માટે વેચાયા હોવાનો દાવો કર્યો છે.

(11:26 pm IST)