મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

ચેંગડુમાં અમેરિકી કોન્સ્યુલેટ બંધ કરી ચીને કબજો લીધો

ચીને અમેરિકા સામે વેર વાળ્યું: બન્ને દેશો વચ્ચે તણાવ : આ કોન્સ્યુલેટ ૧૯૮૫માં શરૂ કરાયું હતું. જેમાં ૧૫૦ જેટલા સ્થાનિકો સહિત કુલ ૨,૦૦૦ કર્મચારીઓ છે

બેઇજિંગ, તા. ૨૭ : ચીને ચેંગડુમાં અમેરિકી કોન્સ્યુલેટને બંધ કરી દીધું છે અને એટલું નહિ તેણે કોન્સ્યુલેટ જ્યાં છે તે આખી ઇમારતને પણ અંકુશમાં લઇ લીધી છે. હ્યુસ્ટનમાં ચીની ડિપ્લોમેટિક મિશનને બંધ કરવાના અમેરિકાના પગલાના બદલામાં ચીને આકરું વલણ અખત્યાર કર્યું છે. આમ હવે બન્ને દેશોના સંબંધોમાં તંગદિલી વધી ગઇ છે.

ચીનના વિદેશ મંત્રાલયે જારી કરેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે '૨૭ જુલાઇ સવારે ૧૦ કલાકે ચીને તેની જરૂરિયાત પ્રમાણે ચેંગડુમાં અમેરિકી કોન્સ્યુલેટ જનરલને બંધ કરી દીધું છે. પછી અમેરિકાના સત્તાવાળાઓ પ્રવેશદ્વારથી ઇમારતમાં પ્રવેશ્યા હતા અને તેની પર કબ્જો લઇ લીધો હતો.'

પછી ઇમારત પર રહેલો અમેરિકાને ધ્વજ પણ ઉતારી લેવાયો છે. કોન્સ્યુલેટની સામે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે અમેરિકાએ ટેક્સાસના હ્યુસ્ટનમાં ચીની કોન્સ્યુલેટને બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે મિશન જાસૂસીમાં સંડોવાયેલું છે.

ચેંગડુમાં કોન્સ્યુલેટ બંધ કરવા સામે ચીને નારાજગી દર્શાવી છે. તેણે કહ્યું છે કે કોન્સ્યુલેટ તિબેટ સહિત પશ્ચિમી ચીનમાં લોકો સાથે અમારા સંબંધોનું એક કેન્દ્ર તરીકે રહ્યું હતું. અમે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના નિર્ણયથી નારાજ છીએ અને ચીનમાં અમારા અન્ય પોસ્ટ્સ થકી મહત્વના પ્રાંતમાં લોકો સાથે સંપર્કમાં રહેવાનું ચાલુ રાખીશ. અમેરિકી કોન્સ્યુલેટને બંધ કરતા અગાઉ તેની ફરતે ટ્રાફિક પર અંકુશ જેવા પગલા લેવાયા હતા. ઐતિહાસિક પળના સાક્ષી થવા લોકોની ભીડ જામી હતી. તેઓ વીડિયો અને ફોટા લેતા દેખાયા હતા. જાણવાની વાત છે કે કોન્સ્યુલેટ ૧૯૮૫માં શરૂ કરાયું હતું. જેમાં ૧૫૦ જેટલા સ્થાનિકો સહિત કુલ ,૦૦૦ કર્મચારીઓ છે.

(9:54 pm IST)