મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

સત્ર બોલાવવા અશોક ગહેલોતનો રાજ્યપાલ મિશ્રને પ્રસ્તાવ

ફ્લોર ટેસ્ટનો પ્રસ્તાવમાં ઉલ્લેખ નહીં : મુખ્યમંત્રીની ધારાસભ્ય સાથેની બેઠક બાદ લેવાયેલ નિર્ણય

નવી દિલ્હી, તા. ૨૬ : રાજસ્થાનમાં 'રાજ રમતલ્લ હજુ પણ ચાલુ છે અને રવિવારે મુખ્યમંત્રી અશોક ગહેલોતે રાજ્યપાલ કલરાજ મિશ્રને વિધાનસભાનું સત્ર ૩૧ જુલાઈના રોજ બોલાવવા માટે નવો પ્રસ્તાવ આપ્યો હોવાનું જણાયું છે. રાજ ભવનના સૂત્રોના જણાવ્યા મુજબ સીએમ ગહેલોતે આપેલા પત્રમાં વિધાનસભા સત્ર બોલાવવાની માંગ કરાઈ છે અને ફ્લોર ટેસ્ટનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. આ પત્ર શનિવારે મોડી રાત્રે મળ્યો હતો. અગાઉ શુક્રવારે રાજ્યપાલે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજ ભવનની લોનમાં કરેલા ધરણાના મુદ્દે સરકાર પાસેથી છ મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી હતી.

            વિધાનસભા સત્ર બોલાવવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજભવનમાં ધરણા કર્યા હતા. જો કે રાજ્યપાલે તે સમયે જણાવ્યું હતું કે તેઓ બંધારણ મુજબ કામ કરશે અને કોઈ પણ પ્રકારના દબાણમાં આવશે નહીં. ત્યારબાદ સીએમ અશોક ગહેલોતના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ધરણા આટોપી લીધઆ હતા. રાજ્યપાલે તે વખતે મુખ્યમંત્રીને કેટલીક સ્પષ્ટતાઓ સાથે વિધાનસભા સત્ર બોલાવવાની ભલામણ કરતી અરજી ફરી આપવા જણાવ્યું હતું. રાજ્યપાલે છ મુદ્દે સ્પષ્ટતા માંગ્યા બાદ શનિવારે ફરી મુખ્યમંત્રી ગહેલોતે તેમના નિવાસ સ્થાને કેબિનેટ બેઠક યોજી હતી. રાજ્યપાલે ઉઠાવેલા પ્રશ્નો પર ચર્ચા વિચારણા કર્યા બાદ કેબિનેટે સંશોધિત પ્રસ્તાવ તૈયાર કર્યો હતો અને તેને ફરીથી રાજ્યપાલને સોંપવામાં આવ્યો છે.

(12:00 am IST)