મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

શિખર બેઠકને સંબોધતા પહેલાં મોદીએ વિશ્વનાં કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરી : દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા વિચારણા કરી મોદી અમેરિકાનાં પ્રમુખ જો બાઈડેન, ફ્રાન્સનાં વડા તેમજ કેનેડાનાં પીએમને મળ્યા : ભારતનો 1000 વર્ષ કરતાં જૂનો ઈતિહાસ ગરીબ દેશો જ પર્યાવરણને નુકસાન કરે છે તેવા ભ્રમનું ખંડન કરે છે. પ્રાચીન ભારતે અપાર સમૃદ્ધિનો સમય પણ જોયો છે

મોદીએ શિખરમાં ગ્રીન ગ્રોથ, ક્લીન એનર્જી, સાતત્યપૂર્ણ જીવનશૈલી અને વૈશ્વિક સુખાકારી જેવા મુદ્દા ચર્ચ્યા

નવી દિલ્‍હી :  મોદીએ ક્લાઇમેટ ચેન્જની પ્રતિબદ્ધતાઓ પૂરી કરવા ધનિક દેશોને સહયોગની અપીલ કરી, ભારત વિશ્વની 17 % વસ્તી ધરાવે છે પણ ગ્લોબલ કાર્બન એમિસન માત્ર 5% ભારતનાં પીએમ મોદીએ જર્મનીનાં શ્લોસ એલમાઉ ખાતે યોજાયેલી G-7 શિખર પરિષદમાં ભાગ લીધો હતો.

તેમણે ક્લાઈમેટ ચેન્જનાં પડકારોનો સામનો કરવા અને પ્રતિબદ્ધતાઓ પૂરી કરવા ભારતનાં પ્રયાસોને ટેકો આપવા ધનિક દેશોને અપીલ કરી હતી. મોદીએ કહ્યું કે ગરીબ દેશો પર્યાવરણને નુકસાન કરે છે તેવી માન્યતાનું ભારત ખંડન કરે છે. મોદીએ G-7 માં બહેતર ભવિષ્યમાં રોકાણ : જળવાયુ પરિવર્તન, એનર્જી અને હેલ્થ અંગેનાં સેશનને સંબોધન કર્યું હતું.

શિખર બેઠકને સંબોધતા પહેલાં મોદીએ વિશ્વનાં કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા વિચારણા કરી હતી. મોદી અમેરિકાનાં પ્રમુખ જો બાઈડેન, ફ્રાન્સનાં વડા તેમજ કેનેડાનાં પીએમને મળ્યા હતા. ભારતનો 1000 વર્ષ કરતાં જૂનો ઈતિહાસ ગરીબ દેશો જ પર્યાવરણને નુકસાન કરે છે તેવા ભ્રમનું ખંડન કરે છે. પ્રાચીન ભારતે અપાર સમૃદ્ધિનો સમય પણ જોયો છે.

મોદીએ શિખરમાં ગ્રીન ગ્રોથ, ક્લીન એનર્જી, સાતત્યપૂર્ણ જીવનશૈલી અને વૈશ્વિક સુખાકારી જેવા મુદ્દા ચર્ચ્યા હતા. મોદીએ જર્મનીનાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝનાં આમંત્રણને માન આપીને G-7 શિખરમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે હેલ્થ સેક્ટરમાં ડિજિટલ ટેકનોલોજીને વિકસાવવા ભારતે કરેલા સંશોધનમાં G-7 દેશો મદદ કરી શકે છે. G-7 એ સાત દેશોનું ગ્રૂપ છે જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, યુકે અને યુએસ સભ્ય દેશો છે. આ વખતે જર્મનીએ તેની શિખરનું આયોજન કર્યું છે.

મોદીએ કહ્યું કે ભારતે સદીઓ સુધી ગુલામી સહન કરી છે. હવે સ્વતંત્ર ભારત વિશ્વની ઝડપથી વિકાસ પામતી સૌથી મોટી ઈકોનોમી બની ગયું છે. વિશ્વની 17 ટકા વસ્તી ભારતમાં વસવાટ કરે છે. આમ છતાં વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં ભારતનો હિસ્સો ફક્ત 5 ટકા જ છે. ભારત ક્લાઈમેટ કમિટમેન્ટ માટે પ્રતિબદ્ધ છે જે તેની ક્લાઈમેટ ચેન્જ માટેની કામગીરીનો નક્કર પુરાવો છે.

મોદીએ કહ્યું કે ભારત ક્લીન એનર્જી ટેકનોલોજીનું મોટું માર્કેટ છે. ભારતના પ્રયાસોને G-7નાં ધનિક દેશો ટેકો આપશે તેવી અમને આશા છે. ભારતમાં વિશ્વનું સૌથી પહેલું સંપૂર્ણ સોલાર પાવરથી ચાલતું એરપોર્ટ છે. ભારતની સૌથી મોટી રેલવે સિસ્ટમ આ દાયકામાં જ નેટ ઝીરો થવાની છે. અમે નોન ફોસિલ સોર્સમાંથી 40 ટકા ઊર્જાનું ઉત્પાદન કરીએ છીએ. નક્કી કરેલા સમય કરતા 9 વર્ષ પહેલા આ લક્ષ્‍યાંક સિદ્ધ કર્યો છે.

મોદીએ જર્મન ચાન્સેલર સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી જેમાં ખાસ કરીને વેપાર વાણિજ્ય તેમજ એનર્જી ક્ષેત્રે સહયોગ વધારવા અને વિશ્વને પર્યાવરણ ફ્રેન્ડલી બનાવવા ચર્ચા કરાઈ હતી. મોદી ફ્રાન્સનાં મેક્રોંને મળ્યા હતા અને દ્વિપક્ષીય તેમજ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દા ચર્ચ્યા હતા. તેઓ ઈન્ડોનેશિયાનાં પ્રમુખ જોકો વિડોડોને મળ્યા હતા અને દ્વિપક્ષીય સહયોગ વધારવા ભાર મૂક્યો હતો.

(12:53 am IST)