મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પુર્વ જિલ્લા પ્રમુખ દ્વારા પેથાપુરનું એક અલાયદુ વોટ્સગૃપ બનાવવામાં આવ્યું છે. લડશે પેથાપુર જીતશે પેથાપુર નામના આ ગૃપમાં વિધાનસભાની ચુંટણીમાં પેથાપુરની કોઈપણ વ્યક્તિને ટિકીટ મળે તે માટે રાજકીય પ્રેશર ઉભું કરવાનો સંકેત છે

પુર્વ જિલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભીએ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે

વિધાનસભાની ચૂંટણી આવી તે સાથે જ ફરી એકવાર પેથાપુરમાં રાજકીય એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પુર્વ જિલ્લા પ્રમુખ દ્વારા પેથાપુરનું એક અલાયદુ વોટ્સગૃપ બનાવવામાં આવ્યું છે. લડશે પેથાપુર જીતશે પેથાપુર નામના આ ગૃપમાં વિધાનસભાની ચુંટણીમાં પેથાપુરની કોઈપણ વ્યક્તિને ટિકીટ મળે તે માટે રાજકીય પ્રેશર ઉભું કરવાનો સંકેત છે. સમજવાવાળા માટે આ ઈશારો ઘણો છે. વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને ટિકીટ મળે તેની આ પહેલી રણનિતી લાગી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પુર્વ જિલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભીએ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામામાં જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપે છે. પરંતુ વિચારધારા નહી છોડે. કોંગ્રસથી છેડો ફાડયા પછી તેમણે એક બીજી ટ્વીટ કરી હતી. જેમાં વિધાનસભાની ચુંટણી સામે હોવા છતાં કોંગ્રેસ સુષુપ્ત અવસ્થામાં છે. આ સ્થિતીએ કોંગ્રેસ કેવી રીતે ચૂંટણી જીતશે વગેરે લાગણી વ્યક્ત કરી છે. પરંતુ પેથાપુરમાં રાજકીય ગતિવિધીઓ શરૂ થઈ છે. લડશે પેથાપુર જીતશે પેથાપુર નામના આ સોશિયલ ગૃપમાં ભાજપના જ કેટલાક હોદેદ્દાર અને કાર્યકરો પણ સામેલ છે. જેમાં શહેર ભાજપ સંગઠનના પણ એક હોદ્દેદાર આ ગૃપમાં જોવા મળે છે. તો પેથાપુર વોર્ડના પણ હોદ્દેદાર અને કાર્યકરો સામેલ છે. વિધાનસભાની ચુંટણીમાં કોઈપણ રાજકીય પક્ષ પેથાપુરમાંથી કોઈપણ વ્યક્તિની પસંદગી કરે તેવી સામૂહિક રજુઆત અને માંગ કરવાનુ આ ગૃપમાં જણાવાયું છે. જે બતાવે છે કે, પેથાપુરમાં કોણ સક્રીય થયું છે. આ ગૃપ ખરા સમયે સક્રીય કરવામાં આવ્યું છે. ગત વિધાનસભાની ચુંટણીમાં પણ પેથાપુરની ધરી ખૂબ સક્રીય હતી. એ સમયે ભાજપ ચૂંટણીમાં માયનસ રહ્યું હતું. જોકે લોકસભાની ચૂંટણીમાં ભાજપ પ્લસ નીકળેલું.

પેથાપુરમાં એકાએક લડશે પેથાપુર જીતશે પેથાપુર ગૃપનું આ નામ જ ઘણુંખરું કહી જાય છે. તેનો મતલબ એ કે, પેથાપુરમાં એક ગૃપ સક્રીય થયું છે. એટલેકે પેથાપુરમાંથી વિધાનસભાની ચૂંટણી લડાશે, નહિ તો પરિણામ ગમે તે હોઈ શકે છે. તેવું શાનમાં જણાવી દીધું છે. પેથાપુરના ગૃપમાં ભાજપના પણ કેટલાક આગેવાનો-કાર્યકરો હોવાની વાતે સૌનું ધ્યાન દોર્યું છે. એકબાજુ સુર્યસિંહ ડાભી કોંગ્રેસની વિચારધાર નહી છોડવાની વાત કરે છે. તો બીજીબાજુ ભાજપના ચહેરા આ ગૃપમાં જોવા મળે છે. તો સુર્યસિંહ ભાજપમાં એક્ટીવ છે. કે ભાજપવાળા પ્રો-એક્ટીવ છે. થોડાક દિવસ પુર્વે પેથાપુરના ભાજપના સોશિયલ મિડીયા ગૃપમાં ભાજપના નગરસેવકોની નિષ્ક્રિયતાને લઈને આક્રોષ જોવા મળ્યો હતો. જો લોકોના કામ ના કરાવી શકતા હોય તો પેથાપુરના નગરસેવકો રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી. એટલેકે પેથાપુરની ગટર, પાણી, રસ્તા, લાઈટ સહિતની એકપણ પ્રજાલક્ષી પ્રશ્નો નથી ઉકેલાયા તેનો ભાજપના જ લોકોમાં રોષ છે. કોર્પોરેશનની ચૂંટણી બાદ માત્ર પેથાપુર જ નહિ સમગ્ર ગાંધીનગરમાં ભાજપમાં કંઈ અલગ જ વેદનાભરી નારાજગી પ્રવર્તેલી છે. એકબાજુ કોર્પોરેશનની ચુંટણીના વચનો વિધાનસભાની ચુંટણીમાં ના નડે તે જોવાનું કહ્યું છે. પરંતુ અત્યારે તો ગાંધીનગર ઉત્તર વિધાનસભા સીટમાં સમાવિષ્ટ પેથાપુરમાં અત્યારથી જ ચૂંટણીલક્ષી સળવળાટ શરૂ થઈ ગઈ છે.

કોંગ્રેસના બગાવતીઓની સાથે ભાજપના પણ જોડાયા છે તે નાની વાત નથી. પેથાપુરની જ કોઈ વ્યક્તિને ટિકીટ અપાવવાના ઉદ્દેશ સાથે એક્ટીવ થયેલા આ ગૃપમાં ભાજપના પણ માથા જોડાયેલા છે, જે બતાવે છે કે, ભાજપના એ કયા ચહેરાને વિધાનસભાની ચુંટણી લડવાના ઓરતા જાગ્યા છે. જે સીધી રીતે નહિ તો આ ગૃપ થકી મેસેજ અપાયો છે. એટલેકે એક એજન્સી થકી ખાનગીમાં સર્વે કરાવાયો હતો. જેમાંપણ ગાંધીનગર ઉત્તરની સીટ પર ક્ષત્રિયને ટિકીટ આપશે તો ભાજપ જીતી જશે તેવો મેસેજ ફરતો કરાયો હતો. પેથાપુરમાંથી ઉઠેલી આ હવા પણ એ દિશામાં સંકેતો આપી રહી છે.

રાજકારણીઓ પોતાના મનકી બાત કહેવા માટે સોશિયલ મિડીયાનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરતા થયા છે. કોંગ્રેસનો હાથ છોડનાર પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છેલ્લા સમયથી ટ્વીટરની દુનિયામાં સક્રીય થયા છે. તેમણે ગઈકાલે વળી પાછી એક ટ્વીટ રઘુ શર્માને સંબોધીને કરી છે. રાજીનામું આપ્યા પછી હાલમાં તો સુર્યસિંહ ડાભી નહી ઈધરે કે ઓર ના ઉધર કે રહે જેવી હાલત થઈ છે.

કોંગ્રેસના જિલ્લા પ્રભારી તરીકે ડૉ. રઘુ શર્માને જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના ઘણા દિગ્ગજો પાર્ટી છોડીને જઈ રહ્યા હોવાનું જોઈને તેઓ એક સમયે વ્યંગ કર્યો હતો. સુર્યસિંહ ડાભીએ પણ એ જ વ્યંગ પર કટાક્ષ કર્યો છે. સુર્યસિંહ ડાભીએ કહ્યું કે, રઘુ શર્મા તમે એકવાર કહ્યું હતું કે, જે જઈ રહ્યા છે તે કચરો છે. પરંતુ તમને પણ એ ખબર છે કે, કોંગ્રેસ પાર્ટીમાં કેટલો કચરો છે. આ તમામ કચરો તમે કાઢશો એ પછી જ કોંગ્રેસની સત્તા વાપસી શક્ય બનશે. તમે કઠોર નિર્ણય લેવાની જો હિંમત રાખતા હોવ તો હું મારું રાજીનામું પાછું લઈ લેવા તૈયાર છું. ક્યાંક સુર્યસિંહને રાજીનામું આપ્યા પછી પસ્તાવો તો નથી થઈ રહ્યો? તેઓ સતત એક પછી એક નવી ટ્વીટ કરી રહ્યા છે. અને પોતાનો આત્મા ઠાલવી રહ્યા છે.

 

 

 

(11:41 pm IST)