મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

અમરનાથ યાત્રા પહેલા પાકિસ્‍તાન દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ નિષ્‍ફળ : ઘુષણખોર ઠાર

જમ્‍મુ તા. ૨૭ : અમરનાથ યાત્રા પહેલા, ભારત-પાકિસ્‍તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સતર્ક BSF જવાનોએ યાત્રામાં વિક્ષેપ પાડવાની પાકિસ્‍તાનની નાપાક યોજનાઓને નિષ્‍ફળ બનાવી દીધી છે.એક પાકિસ્‍તાની ઘૂસણખોર જયારે પાકિસ્‍તાનથી ભારતીય વિસ્‍તારમાં ઘૂસ્‍યો ત્‍યારે તેને ઠાર કરવામાં આવ્‍યો છે. માર્યા ગયેલા ઘુસણખોરની ઓળખ હજુ સુધી મળી શકી નથી.

બીએસએફના જવાનોએ ભારત-પાક સરહદની આસપાસના વિસ્‍તારોમાં સાવચેતીના પગલા તરીકે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે.મળતી માહિતી મુજબ,આજે સોમવારે સવારે ૪ વાગે બીએસએફની ૩૬મી બટાલિયનને સરહદ આરએસપુરા સેક્‍ટરના બાકરપુર સેક્‍ટરમાં પાકિસ્‍તાની સરહદ પર શંકાસ્‍પદ ગતિવિધિઓ જોવા મળી હતી.

આ પછી, બીએસએફના જવાનોએ શંકાસ્‍પદ ગતિવિધિઓ પર નજર રાખી અને જેવો ઘૂસણખોર પાકિસ્‍તાની સરહદેથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્‍યો હતો ત્‍યારે સતર્ક સૈનિકોએ તેને આત્‍મસમર્પણ કરવાની ચેતવણી આપી હતી.

તેણે સૈનિકોની ચેતવણીની અવગણના કરી અને પાકિસ્‍તાની સરહદ તરફ પાછા ફરવાનો પ્રયાસ કર્યો પરંતુ બીએસએફના જવાનોએ તેને ત્‍યાં જ ઠાર કરી દીધો હતો. પાકિસ્‍તાની ઘૂસણખોરનો મૃતદેહ હજુ પણ સરહદ પર પાસે પડ્‍યો છે.આરએસપુરા પોલીસ પણ ઘટના સ્‍થળે પહોંચી ગઈ છે. માર્યા ગયેલા પાકિસ્‍તાની ઘૂસણખોરે કાળો સલવાર કમીઝ પહેર્યો છે.ᅠ

આ વખતે અમરનાથ યાત્રામાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ આવવાની આશા છે. આ જ કારણ છે કે ભક્‍તોની સુરક્ષા માટે સરકાર દ્વારા રાજયના પ્રવેશદ્વાર લખનપુરથી બાલતાલ અને પહેલગામ અને ત્‍યારબાદ પવિત્ર ગુફા સુધી ચુસ્‍ત સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.આ વખતે પહેલીવાર ડ્રોન અને RFID એટલે કે રેડિયો ફ્રીક્‍વન્‍સી આઈડેન્‍ટિફિકેશન ડિવાઈસની મદદથી શ્રદ્ધાળુઓ એક ક્ષણ માટે પણ સુરક્ષા એજન્‍સીઓની નજરથી બચી શકશે નહીં.

આ વખતે કોરોના સંક્રમણને કારણે બે વર્ષ બાદ બાબા અમરનાથની યાત્રા શરૂ થઈ રહી છે. રાજય પોલીસ ઉપરાંત અર્ધલશ્‍કરી દળના ૩૫ હજાર જવાનો ખાસ તૈનાત કરવામાં આવ્‍યા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સેનાની રાષ્ટ્રીય રાઈફલ્‍સની પણ કોર્ડન કરવામાં આવશે

(4:43 pm IST)