મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

મહારાષ્ટ્ર : ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ શિંદે કેમ્પમાં જોડાયા : સીએમ ઉધ્ધવ પાસે હવે માત્ર ૩ મંત્રી છે

ઉદય મહારાષ્ટ્રના આઠમાં મંત્રી છે, જેમણે ઉધ્ધવને બદલે શિંદે સાથે જવાનું નક્કી કર્યું : શિવસેનાના ૩૯ ધારાસભ્યો શિંદે કેમ્પ સાથે આવ્યા

ગુવાહાટી તા. ૨૭ : મહારાષ્ટ્રમાં સત્ત્।ારૂઢ શિવસેનામાં વર્ચસ્વ માટે ચાલી રહેલી લડાઈ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ બળવાખોર એકનાથ શિંદેની છાવણીમાં જોડાયા છે. તેઓ રવિવારે રાત્રે ગુવાહાટી પહોંચ્યા હતા. આ સાથે શિંદેને શિવસેનાના ૩૯ ધારાસભ્યોનું સમર્થન છે. ઉદય મહારાષ્ટ્રના ૮માં મંત્રી છે, જેમણે ઉદ્ઘવને બદલે શિંદે સાથે જવાનું નક્કી કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે હવે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે કરતાં વધુ મંત્રીઓ એકનાથ શિંદેની છાવણીમાં છે. ઉદ્ઘવ પાસે માત્ર ૩ મંત્રીઓનું સમર્થન બાકી છે.
શિવસેના રવિવાર સવારથી ઉદય સામંતનો સંપર્ક કરી શકી ન હતી. ઉદય રવિવારે સાંજે ચાર્ટર્ડ પ્લેન દ્વારા મુંબઈથી ગુવાહાટી પહોંચ્યા હતા. તેમની સાથે તેમના અંગત સચિવ અને થાણેના શિવસેના કાર્યકર સહિત ત્રણ અન્ય લોકો પણ હતા. ઉદય સામંતને ઠાકરે પરિવારના નિવાસ સ્થાન માતોશ્રીની નજીક માનવામાં આવે છે. આ જ કારણ માનવામાં આવે છે કે શિવસેનામાં નવા હોવા છતાં તેમને ઉચ્ચ શિક્ષણ જેવું મહત્ત્વનું મંત્રાલય આપવામાં આવ્યું હતું. હવે તેમનું એકનાથ શિંદે સાથે જવું ઉદ્ઘવ માટે મોટો આંચકો છે.
ઉદય સામંત મહારાષ્ટ્ર કેબિનેટના ૮માં મંત્રી છે, જેમણે ઉદ્ઘવ ઠાકરેનો પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. ઉદ્ઘવ પાસે હવે તેમની જ પાર્ટી શિવસેનામાંથી માત્ર એક જ મંત્રી બચ્યા છે. એટલે કે તેમનો પુત્ર આદિત્ય ઠાકરે. આદિત્ય પર્યાવરણ અને પ્રોટોકોલ મંત્રી છે. આ સિવાય પરિવહન મંત્રી અનિલ પરબ અને ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈ અન્ય બે મંત્રીઓમાં ઉદ્ઘવની સાથે છે. પરબ અને દેસાઈ બંને વિધાન પરિષદના સભ્ય છે. અપક્ષ શંકરરાવ ગડક પણ શિવસેના કવોટામાંથી મંત્રી છે અને જળ સંરક્ષણ વિભાગ સંભાળી રહ્યા છે. વન મંત્રી સંજય રાઠોડના રાજીનામાને કારણે એક પદ ખાલી છે.
એચટીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૫ કેબિનેટ મંત્રીઓ અને ૨ રાજય મંત્રીઓએ શિંદે કેમ્પમાં આશ્રય લીધો છે. શિંદે, સામંત ઉપરાંત કેબિનેટ મંત્રીઓમાં ગુલાબરાવ પાટીલ, સંદીપન ભુમરે, દાદાજી ભુસેનો સમાવેશ થાય છે. રાજયકક્ષાના મંત્રીઓમાં અબ્દુલ સત્તાર અને શંભુરાજ દેસાઈનો સમાવેશ થાય છે. અપક્ષ રાજેન્દ્ર પાટીલ યાદવરાવકર અને ઓમપ્રકાશ કડુ, જેમને શિવસેના કવોટામાંથી મંત્રી બનાવવામાં આવ્યા હતા, તેઓ પણ શિંદે જૂથમાં જોડાયા છે.
ઉદય સામંત એનસીપીની ટિકિટ પર રત્નાગીરીથી સતત બે ટર્મથી ધારાસભ્ય રહ્યા છે. અગાઉની કોંગ્રેસ-એનસીપી સરકારમાં તેમને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ શિવસેનામાં જોડાયા હતા. જે બાદ ૨૦૧૮માં તેમને મ્હાડાના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૯માં ઉદય ચોથી વખત ધારાસભ્ય તરીકે આવ્યા હતા.

 

(10:58 am IST)