મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

ગળા પર ચરબી વધે તો બોલે છે નસકોરા !

આ બિમારી વિશે ૮૦ ટકા લોકોને નથી ખબર

નવી દિલ્‍હી,તા. ૨૭: જો તમે કોઈ પણ કારણ વગર તમારું વજન વધેલુ મહેસૂસ કરી રહ્યા હોવ કે પછી તમારો મૂડ સ્‍વીંગ થતો હોય તો ઓબ્‍સ્‍ટ્રક્‍ટિવ સ્‍લીપ એપનિયા તેનું એક કારણ હોઈ શકે છે. પલ્‍મોનલોજિસ્‍ટ અને અન્‍ય અનેક તજજ્ઞોનું માનવું છે કે સ્‍લીપ એપનિયાના દર્દીઓની સંખ્‍યા વધી રહી છે. જો કે તેની પાછળ શું કારણ હોઈ શકે છે તે વાત અંગે તજજ્ઞો વહેંચાયેલા છે. કેટલાકનું કહેવું છે કે લોકો વચ્‍ચે ઊંઘના આ વિકારને લઈને વધતી જાગૃતતા એક કારણ હોઈ શકે છે તો કેટલાકને એવું લાગે છે કે લોકડાઉન દરમિયાન ગતિહીન જીવનશૈલી પણ એક પ્રમુખ કારણ હોઈ શકે છે.

તજજ્ઞોનું એવું પણ માનવું છે કે ઊંઘ સંલગ્ન આ વિકારની સમસ્‍યા એ છે કે દર્દીનું ધ્‍યાન તેની તરફ ઘણું મોડું જાય છે. આ વિકારથી પીડિત દર્દી પહેલા સાઈક્‍યાટ્રિસ્‍ટ, ત્‍યારબાદ ન્‍યૂરોલોજિસ્‍ટ અને ક્‍યારેક ક્‍યારેક કાર્ડિયોલોજિસ્‍ટ પાસે પણ પહોંચી જાય છે. જયારે તેણે સ્‍લીપ ટેસ્‍ટ કરાવવાની જરૂર હોય છે. કેટલાક કેસમાં તો ખુબ મોડું થઈ જાય છે. અનેક વૈશ્વિક અભ્‍યાસ જણાવે છે કે ૮૦ ટકા દર્દીઓમાં આ સમસ્‍યાનું નિદાન સુદ્ધા થઈ શકતું નથી.

તજજ્ઞોનું માનીએ તો વજન વધવું, ગળા પર ફેટનું જમા થવું એ નસકોરા બોલવાનું સૌથી મોટું કારણ છે. આ સ્‍થિતિમાં દર્દી વાયુમાર્ગ ખોરવાઈ જવાના કારણે ગાઢ ઊંઘ લઈ શકતો નથી.

આ ઉપરાંત આપણું મગજ શરીરને ઊંઘના ત્રણ તબક્કા માટે તૈયાર કરે છે. ચોથા તબક્કામાં તે પોતાને તૈયાર કરે છે. સામાન્‍ય રીતે ૨૫ ટકા લોકોને ચોથા તબક્કામાં ઊંઘ આવે છે. પરંતુ જયારે કોઈ વ્‍યક્‍તિ આ ઊંઘના વિકારથી પીડિત હોય છે તો તે પછી ચોથા તબક્કામાં પહોંચી શકતો નથી કારણ કે તેને વારંવાર વિધ્‍ન આવે છે અને પાછો તે પહેલા તબક્કામાં આવી જાય છે.

આ સ્‍થિતિના કારણે વ્‍યક્‍તિમાં આ લક્ષણો જોવા મળે છે.  ૧- ચીજો યાદ ન રહેવી, ૨. દિવસભર થાકેલા રહેવું, ૩. સેક્‍સમાં રૂચિ ઓછી થવી

જયારે આપણું મગજ અચેત મુદ્રામાં હોય છે ત્‍યારે એડ્રેનાલાઈન નામનું હોર્મોન રિલીઝ કરે છે. જેના કારણે ઊંઘમાં જયારે આપણો દમ ઘૂટે છે તો શરીર જાગી જાય છે. આ એક સારું હોર્મોન છે પરંતુ રોજ આવું થાય તો તે પેરાલિસિસ, હાર્ટ એટેક, ડાયાબિટિસ અને હાઈપરટેન્‍શનનું જોખમ વધારે છે.

જીવનશૈલી બદલાઈ રહી છે અને સાથે સાથે જરૂર કરતા વધારે વજન અને મોટાપાનો ભોગ બનેલા લોકોની સંખ્‍યા પણ વધી રહી છે. જો કે પાતળા લોકો પણ આ રોગનો ભોગ બની રહ્યા છે. પહેલા લોકો ટેસ્‍ટ કરાવવાથી બચતા હતા પરંતુ જો ઉપચાર કરાવવામાં આવે તો આ રોગ ૧૦૦ ટકા ઠીક થઈ શકે છે. કેટલાક કેસમાં પૂર્ણ ઈલાજ સંભવ નથી.

હાલ બાળકોમાં પણ આ સમસ્‍યા જોવા મળી રહી છે. પહેલા લોકો એ માનવા તૈયાર નહતા કે તેમને ઊંઘ વિકાર છે આથી તેમને ખબર પડતી નહતી. હવે જાહેર સ્‍થળો પર પણ ઊંઘ સંલગ્ન સવાલ જવાબ છે અને તમે ૧૦ પોઈન્‍ટમાં જાણી શકો છો કે તમને આ સમસ્‍યા છે કે નહીં, ત્‍યારબાદ ડોક્‍ટરને દેખાડવું જરૂરી બની જાય છે.

(10:31 am IST)