મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

હેવાનિયતની હદ! ચાલતી કારમાં માતા અને ૬ વર્ષની પુત્રી પર સામૂહિક બળાત્‍કાર પછી બંનેને રોડ પર ફેંકી નાસી ગયા

રૂરકી,તા.૨૭:  ઉત્તરાખંડના રૂરકીના સિવિલ લાઇન કોતવાલીમાં માતા-પુત્રી સાથે સામૂહિક બળાત્‍કારનો મામલો સામે આવ્‍યો છે. મહિલાનો આરોપ છે કે, શુક્રવારે રાત્રે તેણે પીરાન કાલિયારથી એક કારમાંથી લિફટ માંગી, જેમાં કેટલાક લોકો પહેલાથી જ સવાર હતા. તેઓએ મહિલા અને તેની ૬ વર્ષની માસૂમ પર સામૂહિક બળાત્‍કાર ગુજાર્યો હતો અને પછી બંનેને ગંગનાહરના કિનારે ફેંકીને ભાગી ગયા હતા.

આ પછી મહિલા લોહીલુહાણ હાલતમાં તેની પુત્રી સાથે પોલીસ સ્‍ટેશન પહોંચી અને તેની સાથે થયેલી બર્બરતાની જાણકારી આપી. પોલીસે મહિલા તહરિર પર ગેંગ રેપ અને પોક્‍સો એક્‍ટ હેઠળ કેસ નોંધ્‍યો અને પછી મહિલાને સાથે લઈને કારમાં સવાર લોકોની શોધ શરૂ કરી. આ સાથે પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી હતી, જોકે આરોપીઓ હજુ પોલીસથી દૂર છે.

આ મામલામાં એસપી દેહતનું કહેવું છે કે, આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્‍યો છે. તેમણે કહ્યું કે, પોલીસે ચાર ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. તેમણે કહ્યું કે બંનેનું મેડિકલ કરવામાં આવ્‍યું છે અને બાળકીની હાલત સામાન્‍ય છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

તો SSP સિવિલ હોસ્‍પિટલ પહોંચ્‍યા અને બાળકીની હાલત પૂછી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મહિલાએ મુખ્‍ય આરોપીની ઓળખ જાહેર કરી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. જયારે બાળકીની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી છે, પરંતુ તેની હાલત સામાન્‍ય છે. પોલીસે આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

(10:29 am IST)