મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

૧૦૩ વર્ષમાં પ્રથમ વખત રશિયા વિદેશી દેવુ ચૂકવવામાં નિષ્‍ફળ

યુક્રેન યુદ્ધ પછી પશ્‍ચિમના કડક પ્રતિબંધોની અસરઃ રશિયાને ચારે બાજુ નુકસાન થઈ રહ્યું છેઃ પશ્‍ચિમી દેશોએ પણ રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી દીધી છે : હવે પશ્‍ચિમી દેશોના પ્રતિબંધોને કારણે રશિયા તેના બોન્‍ડનું વ્‍યાજ ચૂકવવામાં નિષ્‍ફળ રહ્યું છેઃ તેથી, ૧૦૩ વર્ષમાં પ્રથમ વખત, રશિયાએ વિદેશી દેવા પર ડિફોલ્‍ટ કર્યું છે

નવી દિલ્‍હી, તા.૨૭: યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની રશિયાની અર્થવ્‍યવસ્‍થા પર કેટલી અસર પડી રહી છે. આનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે રશિયાએ તેના ૧૦૩ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વિદેશી દેવા પર ડિફોલ્‍ટ કર્યું છે. ૧૯૧૮ બાદ પહેલીવાર વિદેશી દેવું ચુકવવામાં નિષ્‍ફળ રહ્યુ છે.

યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ બાદ અમેરિકા સહિત તમામ પશ્‍ચિમી દેશોએ રશિયાના વેપાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વૈશ્વિક બજારમાં ડોલરના વ્‍યવહારો પર પ્રતિબંધ મૂકયા પછી, રશિયાએ તેની સ્‍થાનિક ચલણ, રૂબલમાં ચૂકવણી કરવાની ઓફર કરી, જેને અમેરિકાના પ્રભાવ હેઠળના અન્‍ય દેશોએ નકારી કાઢી. ૨૭ મેના રોજ, રશિયાએ વિદેશી દેવું પર $૧૦૦ મિલિયનનું વ્‍યાજ ચૂકવવાનું હતું, જેના પર એક મહિનાનો ગ્રેસ પીરિયડ હતો. આ સમય પણ રવિવાર ૨૬ જૂને સમાપ્ત થયો અને તકનીકી રીતે રશિયા આ લોન પર ડિફોલ્‍ટ થયું, જે ૧૯૧૮ પછી પ્રથમ વખત છે.

નિષ્‍ણાતો કહે છે કે રશિયા માટે આ બહુ મુશ્‍કેલ બાબત નથી, કારણ કે તેનાથી પણ વધુ પડકાર ફુગાવાનો દર ડબલ ડિજિટમાં પહોંચવાથી અને અર્થતંત્રમાં ઘટાડાનાં અંદાજો દ્વારા મળી રહ્યો છે. યુદ્ધ પછીથી તમામ પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાનું બોન્‍ડ માર્કેટ માર્ચ મહિનાથી દબાણ હેઠળ છે, જ્‍યારે તેની મધ્‍યસ્‍થ બેન્‍કના વિદેશી હૂંડિયામણની અનામતો પણ અટકી ગઈ છે.

રશિયાએ આ ડિફોલ્‍ટને નકલી ગણાવ્‍યું અને કહ્યું કે તેની પાસે કોઈપણ બિલ ચૂકવવા માટે પૂરતું ભંડોળ છે, પરંતુ તેને બળજબરીથી ડિફોલ્‍ટ બનાવવામાં આવી રહ્યું છે. ગયા અઠવાડિયે, રશિયાએ જણાવ્‍યું હતું કે પશ્‍ચિમી દેશોએ ડોલરમાં વેપાર પર પ્રતિબંધ મૂકયો તે પછી તે રૂબલમાં  $૪૦ બિલિયનનું સરકારી દેવું ચૂકવવા માંગે છે. પશ્‍ચિમી દેશોએ અમને બળજબરીથી ડિફોલ્‍ટર બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ ખૂબ જ ખરાબ સ્‍થિતિ છે જ્‍યાં એક સરકાર બીજી સરકારને ડિફોલ્‍ટર બનાવવા પર તણાયેલી છે.

જાપાનીઝ બ્રોકરેજ ફર્મ નોમુરાના અર્થશાષાી તાકાહિદે કેયુચીએ જણાવ્‍યું હતું કે વિદેશી રોકાણકારોએ રશિયન બોન્‍ડ્‍સમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. તેઓએ યુક્રેન સાથેના યુદ્ધના અંત અને પશ્‍ચિમી પ્રતિબંધો હળવા થવાની રાહ જોવી જોઈએ. બોન્‍ડની શરતો મુજબ, દાવાની અસર ત્રણ વર્ષ પછી જ થશે.

રશિયામાં ભૂતકાળમાં પણ વિદેશી ઋણ ડિફોલ્‍ટની સ્‍થિતિ રહી છે. ૧૯૯૮ માં, આર્થિક સંકટને કારણે સ્‍થાનિક ચલણ રૂબલ તૂટી ગયું. જો કે, તે સમયે રાષ્‍ટ્રપતિ બોરિસ યેલ્‍ત્‍સિનની સરકારે $૪૦ બિલિયનના ઘરેલુ દેવું પર ડિફોલ્‍ટ કર્યું હતું. અગાઉ, વિદેશી દેવા પર ડિફોલ્‍ટનો મામલો વ્‍લાદિમીર લેનિનના શાસન દરમિયાન વર્ષ ૧૯૧૮માં આવ્‍યો હતો. હાલમાં, વિદેશી રોકાણકારો પાસે રશિયન બોન્‍ડ્‍સમાં લગભગ $ ૨૦ બિલિયન છે. રશિયાનું કહેવું છે કે મારી પાસે ચૂકવણી કરવા માટે પૂરતું ભંડોળ છે પરંતુ મને તેમાંથી રોકવામાં આવી રહ્યો છે. આવી સ્‍થિતિમાં લોન ડિફોલ્‍ટ કરવામાં મારી ભૂલ નથી.

(11:34 am IST)