મુખ્ય સમાચાર
News of Wednesday, 27th June 2018

મિશન-૨૦૧૯ હેઠળ યોગી કેબિનેટમાં ટુંકમાં જ ફેરફાર

લોકસભા ચુંટણીમાં ભવ્ય દેખાવ કરવાની તૈયારી : યોગી સરકારના કેટલાક પ્રધાનોની હકાલપટ્ટી કરાય તેવી વકી : સંઘના ઈશારે ઓબીસી તેમજ દલિત લીડરોને તક

લખનૌ,તા. ૨૭ : ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં ૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલા કેટલાક નવા ચહેરાઓ જોવા મળી શકે છે. ભારતીય જનતા પાર્ટી સાથે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે સાફ સંકેત આપ્યા છે કે રાજ્ય સરકારમાં રહેલા કેટલાક લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ. સંઘનું માનવું છે કે કેટલાક પ્રધાનોના કામ જમીન ઉપર દેખાઈ રહ્યા નથી. જેથી આ દિશામાં પણ વિચારણા કરવાની જરૂર છે. સંઘના ઈશારા બાદ સંભવિત મંત્રીમંડળના વિસ્તરણમાં અનેક મંત્રીઓને હકાલપટ્ટી થઈ શકે છે. સાથે સાથે સંઘે ટીમ યોગીની સાથે મળીને કુંભ અને ૨૦૧૯ લોકસભા ચુંટણી માટે રણનીતિ તૈયાર કરી લીધી છે. સંઘ દ્વારા મેળવવામાં આવેલા ફિડબેકના કારણે અનેક મંત્રીઓની મુશ્કેલીઓ વધી શકે છે. યુપી સરકાર અને સંઘ વચ્ચે મંગળવારના દિવસે બેઠકોનો દોર ચાલ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારમાં દિલ્હી પહોંચ્યા હતા જ્યાં બે કલાક સુધી તેમની વાતચીત સંઘના ટોપના લોકો સાથે થઈ હતી. ત્યાંથી પરત ફર્યા બાદ સંઘના સહકાર્યવાહક દત્તાત્રે હોસબોલે સાથે મુખ્યમંત્રી આવાસ ઉપર યોગીએ બેઠક યોજી હતી. સંઘના વરિષ્ઠ હોદ્દેદારો સાથે સરકારની વાતચતી થઈ હતી. હોદ્દેદારોએ સરકારની સમક્ષ પ્રચારકોથી મળેલા ફિડબેકની રજુાત કરવામાં આવી હતી. સાથે સાથે પાંચથી છ વિભાગોના કામકાજને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. યોગી આદિત્યનાથ કેબિનેટમાં આગામી મહિનામાં ફેરફાર કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં સંઘના ફિડબેક કેટલાક મંત્રીઓની મુશ્કેલીઓ વધારી શકે છે. પેટાચુંટણીમાં ભાજપની એક પછી એક હારબાદ સંઘ હવે બદલાયેલી રણનીતિ પર કામ કરી રહ્યું છે. જેના ભાગરૂપે પાર્ટીના કેટલાક ઓબીસી અને દલિત નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. સંઘ અને યુપી સરકાર વચ્ચે બેઠકમાં વાતચીત ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. સરકાર અને સંગઠન વચ્ચે પારસ્પરીક સંકલન વધારવા ઉપર ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં રામ મંદિરના મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ હતી. રામ મંદિરના મુદ્દા પર ખૂબ જ સાવધાનીપૂર્વકનું અને યોગ્ય વલણ અપનાવવા કહેવામાં આવ્યું છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે જે ગતિવિધિઓ અને ઘટનાક્રમને રોકવામાં આવી શકે નહીં પરંતુ બિનજરૂરી નિવેદનબાજી કરી વિવાદોથી બચવા કહેવામાં આવ્યું છે. યોગી આદિત્યનાથ સરકાર હાલમાં દબાણ હેઠળ દેખાઈ રહી છે. યોગી સરકારની સંઘ સાથે મહત્વપૂર્ણ બેઠક હાલમાં યોજાઈ હતી.

ઉત્તરપ્રેદશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખૂબ જ આક્રમક રીતે આગળ વધી રહ્યા છે પરંતુ હાલમાં મળેલી હારથી તેની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે. લોકસભાની ચુંટણીની રણનીતિ પર કામ થઈ રહ્યું છે.

(7:16 pm IST)