મુખ્ય સમાચાર
News of Friday, 27th May 2022

શોલેનાં શીર્ષકનાં ધંધાધારી ઉપયોગ બદલ કંપનીને દંડ

કેટલીક ફિલ્મો પ્રસિદ્ધિના ચોક્કસ શિખર પર પહોંચી છે : ફિલ્મો-ટાઈટલ્સને ટ્રેડમાર્ક કાયદાઓ હેઠળ માન્ય ઠેરવી શકાય છે અને શોલે તેનું ક્લાસિક ઉદાહરણ : હાઈકોર્ટ

મુંબઈ, તા.૨૭ : દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ શોલેનાં શીર્ષકનો ધંધાદારી ઉપયોગ કરવા બદલ એક ખાનગી કંપનીને પચ્ચીસ લાખનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું છે કે કેટલીક ફિલ્મો માત્ર એક સામાન્ય શબ્દ નથી પરંતુ તે સમય જતાં પ્રસિદ્ધિનાં એક ચોક્કસ શિખર પર પહોંચી ચુકી છે. આવા સંજોગોમાં શોલે જેવી આઈકોનિક ફિલ્મનાં શીર્ષકનો કોઈ પોતાના ધંધાદારી હેતુ માટે ઉપયોગ કરી શકે નહીં.

હાઈકોર્ટનાં ન્યાયમૂર્તિ જસ્ટિસ પ્રતિભાસિંહે આ ચુકાદામાં જણાવ્યું છે કે ફિલ્મો અને ટાઈટલ્સને ટ્રેડમાર્ક કાયદાઓ હેઠળ માન્ય ઠેરવી શકાય છે અને શોલે તેનું એક ક્લાસિક ઉદાહરણ છે.

તેમણે ચુકાદામાં જણાવ્યું હતું કે શોલે ફિલ્મ એકથી વધુ પેઢીઓમાં લોકપ્રિય છે. તેનાં પાત્રો, સંવાદો, સેટિંગ, બોક્સ ઓફિસ રેકોર્ડ આ બધું એક દંતકથા સમાન છે. શોલે શબ્દ કાને પડે કે તરત જ આ ફિલ્મ સાથેનું જોડાણ સંધાઈ જાય છે. હિન્દી ડિક્શનરીમાં શોલે શબ્દનો અર્થ ભલે સળગતા કોલસા એવો થતો હોય પરંતુ હવે આ શબ્દ જાણે કે આ ફિલ્મ સાથે જ જોડાઈ ચૂક્યો છે. એક કંપનીએ શોલે નામથી ડોમેન રજિસ્ટર કરાવ્યું હતું અને મેગેઝિનમાં પણ ટાઈટલ તરીકે શોલે નામનો ઉપયોગ કરી તેના પાત્રો, સંવાદો વગેરેનો ઉપયોગ કર્યો હતો. શોલેની નિર્માતા કંપની સિપ્પી ફિલ્મસ પ્રાઈવેટ લિમિટેડે ટ્રેડમાર્ક ભંગનો દાવો માંડ્યો હતો. આ કેસમાં ૨૦ વર્ષ બાદ ચુકાદો આવ્યો છે.

(7:57 pm IST)