મુખ્ય સમાચાર
News of Wednesday, 27th May 2020

મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષઃ ઉધ્ધવ ઠાકરેએ ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવી

શિવસેના- એનસીપી વચ્ચે કોંગ્રેસને બાકાત રાખી વારંવાર ગુપ્ત બેઠકોઃ ભાજપની સતત રાષ્ટ્રપતિ શાસન માટે માંગઃ નવી ફોર્મ્યુલાની સરકાર? : પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસને ગઠબંધન સરકારમાં રહેવામાં રસ ન હોવાનું સ્પષ્ટ થયુ

મુંબઈઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો વધતો જાય છે. ભાજપ સતત રાજયમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી રહી છે. ભાજપનો આરોપ છે કે ઉધ્ધવ સરકાર કોરોનાનો સામનો કરવામાં નિષ્ફળ સાબીત થઈ રહી છે. દરમિયાન મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ સવારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવી છે. બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ  નાના પટોલે કાલે દિલ્હી પહોંચ્યાના સમાચાર પણ છે.

છેલ્લા ત્રણ દિવસથી શિવસેના- એનસીપી નેતાઓની રાજયપાલ સાથે મુલાકાત થઈ રહી છે. ઉપરાંત બન્ને પક્ષો વચ્ચે વારંવાર થયેલ ગુપ્ત બેઠકોથી ગઠબંધનના ત્રીજા પક્ષ કોંગ્રેસના મહત્વ ઉપર સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનથીએ ચોખ્ખુ થયુ છે કે કોંગ્રેસની આ ગઠબંધનની સરકારમાં બની રહેવા ઈચ્છા ઓછી છે. એવામાં કોંગ્રેસને અલગ રાખીને શિવસેના- એનસીપી ભાજપ સાથે સરકાર બનાવા તરફ આગળ વધી રહ્યાના ગણીતને પણ નકારી શકાય તેમ નથી.

જો કે ગઠબંધન તરફથી વારંવાર કહેવામાં આવે છે કે ઉધ્ધવ ઠાકરેને કોઈ ખતરો નથી. જયારે ભાજપ સતત રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી ઠાકરે સરકારને મુશ્કેલીમાં લાવવા દબાણ કરી રહી છે. રાજય સરકારને લાગી રહ્યુ છે કે કેન્દ્ર સરકાર કોરોનાની સ્થિતિને જોઈને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે અને આ અંગે ચર્ચા માટે જ શિવસેના- એનસીપી નેતાઓ રાજયપાલને મળી રહ્યા છે. આ બેઠકોમાંથી કોંગ્રેસની બાદબાકી હોવી અને રાજયમાં રાષ્ટ્રપતિ શાસન કે નવી ફોર્મ્યુલાની સરકાર અંગે આવનાર દિવસોમાં ખબર પડશે.

(3:58 pm IST)