મુખ્ય સમાચાર
News of Wednesday, 27th May 2020

પહેલા તબક્કામાં જ છે, જયાં કેસ ઘટયા ત્યાં અચાનક ઉછાળો આવી શકે

જે દેશોમાં હાલ કેસો ઘટી રહ્યા છે ત્યાં બીજો રાઉન્ડ શરૂ થવાની શકયતા નકારી શકાય તેમ નથી

નવી દિલ્હી, તા.૨૭: કોરોના ધીરે-ધીરે કાબૂમાં આવી રહ્યો છે તેવી આશા વચ્ચે WHOના એક એકસપર્ટે ચોંકાવનારી ચેતવણી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે, હજુ તો આપણે આ મહામારીની મધ્યમાં છીએ. જે દેશોમાં હાલ કેસો ઘટી રહ્યા છે ત્યાં બીજો રાઉન્ડ શરુ થવાની શકયતા નકારી શકાય તેમ નથી. આ ચેતવણીએ વૈશ્વિક અર્થતંત્રના પાટે ચઢવા તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસ ફરી શરુ થવાની અપેક્ષાઓ પર પણ સવાલ ઉભો કરી દીધો છે.

WHOના એકિઝકયુટિવ ડિરેકટર માઈક રાયનના જણાવ્યા અનુસાર, હાલ વિશ્વમાં કોરોનાનો બીજો તબક્કો શરુ નથી થયો. આપણે હજુ તેના પહેલા તબક્કાના મધ્ય ભાગમાં છીએ, જેમાં કેસો સતત વધી રહ્યા છીએ. હાલ દક્ષિણ અમેરિકા, સાઉથ એશિયા અને વિશ્વના અન્ય ભાગોમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે. તેમણે એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે જયાં કેસો ઘટી રહ્યા છે ત્યાં પણ જો લોકડાઉન અચાનક ઉઠાવી લેવાયું તો કેસો પાછા ખૂબ ઝડપથી વધી જશે.

બ્રાઝિલના પ્રમુખે તમામ લોકોની ચેતવણીને કોરાણે મૂકી લોકડાઉન કરવાનો ઈનકાર કરી દીધો હતો. જેના પરિણામે આજે તેમના દેશમાં ૩.૭૫ લાખથી પણ વધુ કેસો થઈ ચૂકયા છે, અને ૨૩ હજારથી વધુ મોત થયા છે. જોકે, દ્યણા એકસપર્ટ્સનું માનવું છે કે બ્રાઝિલનો મૃત્યુઆંક આનાથી પણ વધુ હોઈ શકે છે. ષ્ણ્બ્નું કહેવું છે કે લોકડાઉન ઉઠાવતા પહેલા પૂરતી સંખ્યામાં લોકોના ટેસ્ટ કરવા જરુરી છે.

બીજી તરફ, રશિયાના પ્રમુખ પુતિને જાહેરાત કરી છે કે બીજા વિશ્વયુદ્ઘમાં થયેલા વિજયના ૭૫મી વર્ષની ઉજવણીના ભાગરુપે ૨૪ જૂને લશ્કરી પરેડ થશે. દેશમાં કોરોનાના કેસો તેની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી હવે ઘટી રહ્યા છે તેવો પણ તેમણે દાવો કર્યો હતો.

વિશ્વમાં અત્યારસુધી કોરોનાના કુલ કેસોનો આંકડો ૬૦ લાખ પર પહોંચવા આવ્યો છે. બીજી તરફ, ૨૩ લાખ જેટલા લોકો તેમાંથી સાજા પણ થઈ ગયા છે, જયારે સાડા ત્રણ લાખ લોકોએ તેના કારણે જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં સૌથી વધુ ૧.૭૨ મિલિયન કન્ફર્મ કેસ નોંધાયા છે, અને દેશમાં ૩.૬૧ લાખ લોકો સાજા થઈ ચૂકયા છે જયારે મૃત્યુઆંક એક લાખથી પણ વધુ થઈ ચૂકયો છે.

(3:46 pm IST)