મુખ્ય સમાચાર
News of Wednesday, 27th May 2020

જવેલરીનું વેચાણ ચાલુ વર્ષે ૨૫ ટકા ઘટે તેવી સંભાવના

કોરોનાને કારણે લોકડાઉનને પગલે લોકોની આવક ઘટશે જેને કારણે આગામી દિવસોમાં વેચાણ ઘટશે

મુંબઈ, તા.૨૭: ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે સોમવારે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧માં જવેલરીનું વેચાણ ૨૫ ટકા ઘટશે તેવી ધારણા છે. કોરોનાને કારણે લોકડાઉનને પગલે લોકોની આવક દ્યટશે જેને કારણે આગામી દિવસોમાં વેચાણ દ્યટશે. રિપોર્ટ અનુસાર જવેલરીની માંગ મુખ્યત્વે લગ્નની સિઝનમાં વધારે હોય છે અને અનેક તહેવારો પ્રથમ કવાર્ટરમાં આવતા હોય છે, જે માંગ લોકડાઉનને કારણે ધોવાઈ ગઈ છે. રિટેલ જવેલરીની માંગ એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના(પ્રથમ છ માસિક) ગાળામાં નબળી રહેશે. જોકે પછીથી માંગમાં ઝડપી રિકવરી થવાની ધારણા છે. કારણ કે ઓકટોબરથી ડિસેમ્બરના ગાળામાં દીવાળી સહિતના તહેવારોની સિઝન આવશે.

ગોલ્ડ જવેલરીની માંગ ૨૦૧૯-૨૦માં પણ નબળી રહી હતી કારણ કે ગયા વર્ષે પણ આર્થિક નરમાઈ હતી અને સોનાના ભાવ પણ ખાસ્સા ઊંચા હતા. ચાલુ વર્ષે માંગમાં રિકવરીની શકયતા કોવિડ-૧૯ના કારણે ધૂંધળી થઈ ગઈ છે. સોનાની માંગમાં ઘટાડો થઈ શકે છે, કારણ કે કોરોના ઘટનાક્રમ પછી લોકોની ખરીદશકિત ઘટવાની શકયતા છે. આથી રિટેલ જવેલરીની કુલ માંગ ચાલુ વર્ષે ૨૫ ટકા દ્યટવાની સંભાવના છે. સોનાના ઊંચા ભાવને કારણે પણ માંગ દ્યટશે.

ઈન્ડિયા રેટિંગ્સે કહ્યું છે કે તેણે ૨૦૨૦-૨૧ માટે જીડીપી ગ્રોથનો અંદાજ બે વાર બદલીને ૧.૯ ટકા કર્યો છે અને હજી પણ તેમાં ઘટાડો થઈ શકે છે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં અને લગ્નની સિઝનમાં માંગ સારી રહેવાની ધારણા છે. આગામી જાન્યુઆરી-માર્ચના કવાર્ટર(૨૦૨૧)માં જવેલરીનું વેચાણ વધવાની સંભાવના છે. તે સમયે બેઝ ઈફેકટ પણ જોવા મળશે અને આર્થિક પ્રવૃત્તિ પણ સુધરશે. જો લોકડાઉન વધારે સમય લંબાવાશે તો આ અંદાજમાં પણ ઘટાડો થઈ શકે છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવ ઊંચા રહ્યા છે. કોરોનાને કારણે વૈશ્વિક બજારોમાં સૌથી સલામત રોકાણ તરીકે લોકો સોનામાં રોકાણ વધારી રહ્યા છે. બીજી તરફ ઈકિવટી માર્કેટમાં પણ ઊથલ-પાથલ હોવાથી રોકાણકારો ગોલ્ડ તરફ ડાઈવર્ટ થયા છે. વળી, ગોલ્ડમાં લોકોની ખરીદીની મર્યાદા હોય છે અને તેમાં સોનાના ભાવ વધ્યા હોવાથી કુલ ખરીદીમાં ઘટાડો થશે. સોનાની આયાતમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. ૨૦૨૦-૨૧માં સોનાની આયાત એક દાયકાની નીચી સપાટીએ રહેશે તેમ આ રિપોર્ટમાં કહેવાયું છે.જોકે લાંબા ગાળે સોનાની માંગ વધી શકે છે. કારણ કે મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગ બચત કરશે કારણ કે તેઓ આગામી કેટલાક સમય સુધી તેમના પ્રવાસ સહિતના અનેક આયોજનો પડતા મૂકશે. જોકે આ પૈકી કેટલી બચત તેઓ જવેલરી ખરીદવા માટે કરે છે તે જોવું પડશે.

(1:08 pm IST)