મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

રતલામમાં વરને કોરોના થતાં પીપીઈ કીટ પહેરી લગ્ન કર્યા

કોરોનાના કાળમાં લગ્નસરાની સિઝન ભૂલાઈ ગઈ : લગ્ન કરાવનાર પંડિત સહિત આમંત્રિતો કિટ પહેરીને જોડાયા : દુલ્હા-દુલ્હને પીપીઈ કિટ પહેરીને ફેરા ફર્યા

રતલામ, તા. ૨૭ : કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લગ્નસરાની સીઝન તો લગભગ ભુલાઈ ગઈ છે પણ એક અપવાદરુપ કિસ્સામાં કોરોના ગ્રસ્ત દર્દીથી લગ્ન કર્યા વગર રહેવાયુ નહોતુ. જેના પગલે દુલ્હા-દુલ્હને પીપીઈ કિટ પહેરીને ફેરા ફર્યા હતા.

મધ્યપ્રદેશના રતલામમાં બનેલા આ કિસ્સામાં લગ્ન કરાવનાર પંડિત સાથે બીજા આમંત્રીતો પણ પીપીઈ કિટ પહેરીને સામેલ થયા હતા. બાકીના આમંત્રીતોએ પણ પીપીઈ કિટ પહેરીને લગ્નમાં ભાગ લીધો હતો. આ લગ્નનો એક વિડિયો પણ સામે આવ્યો છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે, દુલ્હા દુલ્હન પીપીઈ કિટ પહેરીને ફેરા ફરી રહ્યા છે.

આ લગ્ન અંગે સ્થાનિક પોલીસને પણ સૂચના મળી હતી. પોલીસને પણ ખબર હતી કે લગ્ન કરનારા વરરાજા કોરોનાથી સંક્રમિત છે. પોલીસન સ્થળ પર પહોંચી પણ હતી, જોકે ત્યાં સુધીમાં લગ્ન ચાલુ થઈ ગયા હોવાથી પોલીસે પણ લગ્ન પૂરા થવા દીધા હતા. પોલીસનુ કહેવુ છે કે, લગ્ન નક્કી થયા બાદ ૧૯ તારીખે વરરાજા કોરોનાથી સંક્રમિત થયા હતા અને અમે લગ્ન રોકવા માટે જ આવ્યા હતા પણ વરિષ્ઠ અધિકારીઓના અનુરોધ અને માર્ગદર્શન પ્રમાણે લગ્ન સંપન્ન થવા દેવાયા હતા.

(8:05 pm IST)