મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

વેક્સિન લેનારી મહિલાનું બાળક એન્ટી બોડીથી સજ્જ

કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત : ન્યૂયોર્કના સ્ટોની બ્રુક ઈન્સ્ટિટ્યુટના એક ડોકટરે સોશિયલ મીડિયા પર એન્ટીબોડી સાથે જન્મેલ શિશુની માહિતી આપી

ન્યૂયોર્ક, તા. ૨૭ : કોરોનાની બીજી લહેરમાં માસૂમ બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે અને આવા સમયે એક એવો કિસ્સો એક ડોકટરે શેર કર્યો છે જેની સોશિયલ મીડિયા પર ચર્ચા પણ થઈ રહી છે.

કોરોનાની સામે રક્ષણ મેળવવા માટે વેક્સીન અસરકારક હથિયાર હોવાનુ ડોકટરો કહી રહયા છે. તેનાથી આગળ વધીને ન્યૂયોર્કના સ્ટોની બ્રુક ઈન્સ્ટિટ્યુટના ડિપાર્ટમેન્ટ ઓફ ન્યૂરોબાયોલોજી એન્ડ બિહેવિયરના એક ડોકટરે સોશિયલ મીડિયા પર એન્ટી બોડી સાથે જ જન્મેલા બાળકની જાણકારી શેર કરી હતી.

પ્રેરણા શ્રેષ્ઠ નામના આ ડોકટરે લખ્યુ હતુ કે, મારુ માસૂમ બાળક કોવિડ સામે લડનાર એન્ટી બોડીથી સજ્જ છે. કારણકે હું સગર્ભા હતી ત્યારે મેં કોરોનાની રસી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં કોવિડની રસી તમામ પ્રેગનન્ટ મહિલાઓ માટે ઉપલબ્ધ નથી અને આ માટેની ટ્રાયલ હાલમાં ચાલી રહી છે. જોકે કોરોના વોરિયર મહિલાઓ જો સગર્ભા હોય અથવા બાળકોને સ્તનપાન કરાવતી હોય તો તેમને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.  દુનિયામાં બહુ ઓછી જગ્યાએ સગર્ભા મહિલાઓને રસીકરણ માટે યોગ્ય મનાય છે.

ડો.પ્રેરણાએ કહ્યુ હતુ કે, મેં ફાઈઝર વેક્સીનના બે ડોઝ લગાવ્યા ત્યારે પ્રેગનન્સીના અંતિમ ત્રણ મહિના ચાલી રહ્યા હતા. ડોક્ટરે આ પોસ્ટ શેર કર્યા બાદ લોકો તેમને રસી લેવા માટે ધન્યવાદ આપી રહયા છે અને કેટલાક લોકો તેને સાયન્સનો ચમત્કાર ગણાવી રહ્યા છે.

(8:02 pm IST)