મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

હાઈકોર્ટના જજ, જ્યૂડિશિયલ કર્મચારીઓ અને તેના પરિવારો માટે અશોકા હોટલના 100 રૂમને કોવિડ કેરમાં તબદીલ કરવાનો આદેશ

અશોકા હોટલમાં ફેસિલિટી પ્રાઈમસ હોસ્પિટલ સાથે જોડાયેલી રહેશે અને સુવિધા પૂરી પાડશે અને બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ પણ કરશે.

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. હોસ્પિટલોમાં બેડ અને ઑક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. આ દરમિયાન લુટિયન્સ દિલ્હીમાં અશોકા હોટલને હાઈકોટ્રના જજ અને જ્યૂડિશિયલ કર્મચારીઓ માટે કોવિડ કેર તરીકે ઉપયોગમાં લઈ શકાશે.

આ મામલે અધિકારીઓને હાઈકોર્ટના જજ, જ્યૂડિશિયલ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે લુટિયન્સ દિલ્હીમાં અશોકા હોટલના 100 રૂમને કોવિડ કેરમાં તબદીલ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ચાણક્યપુરીનાના સબ-ડિપાર્ટમેન્ટલ મેજિસ્ટ્રેટ દ્વારા રવિવારે એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અશોકા હોટલમાં ફેસિલિટી પ્રાઈમસ હોસ્પિટલ સાથે જોડાયેલી રહેશે. હોસ્પિટલ અશોકા હોટલમાં સુવિધા પૂરી પાડશે અને બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ પણ કરશે. હોટલના તમામ કર્મચારીઓને તમામ પ્રકારના સુરક્ષાત્મક કિટ આપવામાં આવે.

 

પ્રાઈમસ હોસ્પિટલ આ હોટલમાં કોવિડ કેર ફેસિલિટીનું મેનેજમેન્ટ કરશે. જેમાં ટ્રાન્સફર માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ હોસ્પિટલ તરફથી આપવામાં આવશે. હોટલમાં સ્ટાફ ઓછો પડવાની સ્થિતિમાં હોસ્પિટલ તરફથી સ્ટાફ પૂરો પાડવામાં આવશે. હાઉસ કિપિંગ, ડિસઈન્ફેક્શન અને દર્દીઓ માટે ભોજન જેવી સર્વિસ હોટલ તરફથી આપવામાં આવશે.

(4:58 pm IST)