મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ વિજયી સરઘસ પર મૂકયો પ્રતિબંધ

પાંચ રાજયોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો ૨ મેના રોજ આવશેઃ આવામાં ચૂંટણી પંચે પરિણામો બાદ વિજયી સરઘસ પર પ્રતિબંધ મૂકયો છે

નવી દિલ્હી, તા.૨૭: કોરોના વાયરસના વધતાં પ્રકોપ વચ્ચે ચૂંટણી પંચે એક મહત્વનો નિર્ણય લીધો છે. પાંચ રાજયોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો ૨ મેના રોજ આવશે, આવામાં ચૂંટણી પંચે પરિણામો બાદ વિજયી સરદ્યસ પર પ્રતિબંધ મૂકયો છે. કોરોના સંકટ વચ્ચે ચૂંટણી પંચ દ્વારા કડક નિર્ણય લેવાયો છે. પરિણામ બાદ જીતનાર ઉમેદવાર માત્ર બે લોકો સાથે જીતનું સર્ટિફિટેક લેવા જઇ શકશે.

૨ મેનાં રોજ પશ્યિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીના ચૂંટણી પરિણામ જાહેર થશે. ચાર રાજયોમાં ચૂંટણી પૂરી થઇ ગઇ છે, જયારે બંગાળમાં એક તબક્કાનું મતદાન બાકી છે. આવામાં ચૂંટણી આયોગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું છે. આવામાં ચૂંટણી સભાઓમાં ઉમટતી ભીડ સામે સતત સવાલો થઇ રહ્યાં હતાં. બંગાળમાં સાતમાં તબક્કાના મતદાન પહેલાં ચૂંટણી પંચે મોટી રેલીઓ, રોડ શો અને પદયાત્રા પર રોક લગાવી હતી. રાજકીય પાર્ટીઓને વર્ચ્યુઅલ સભાઓ કરવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મદ્રાસ હાઇકોર્ટે છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ઝડપી વધારા માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું હતું. કોર્ટે આકરી ટીકા ટિપ્પણી કરતાં કહ્યું કે, બેજવાબદાર વર્તન માટે ચૂંટણી પંચ વિરુદ્ઘ હત્યાનો કેસ દાખલ કરવો જોઇએ. ચૂંટણી પંચ તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે. બેંચે કહ્યું કે, ચૂંટણીમાં રાજકીય દળોએ કોરોના પ્રોટોકોલનું જબરદસ્ત ઉલ્લંઘન કર્યું છે અને પંચ તેને રોકવામાં નિષ્ફળ રહ્યું.

(4:27 pm IST)