મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ અને સ્મશાનોમાં લાશોના ઢગલા

કોરોના મામલે ભારતની સ્થિતિ હૃદયને હચમચાવનારી : WHO

ભારતમાં કોરોનાને કારણે બગડતી પરિસ્થિતિ અંગે WHO એ ચિંતા વ્યકત કરી : ભારત કોરોનાની ભયાનક લહેર વિરૂધ્ધ લડાઇ લડી રહ્યું છે

નવી દિલ્હી તા. ૨૭ : ભારતમાં કોરોના મહામારીને કારણે બગડેલી પરિસ્થિતિ અંગે WHOએ ચિંતા વ્યકત કરી છે. WHOના વડા ડો. ટેડ્રોસ ગેબ્રેયેસસે કહ્યું છે કે, ભારતમાં અત્યારે સ્થિતિ હૃદયને હચમચાવી નાખે તેવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. દર્દીઓના પરિવારજનો હોસ્પિટલોમાં બેડ અને એકસીજનની વ્યવસ્થા માટે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી રહ્યા છે. સ્થિતિનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે દિલ્હીમાં લોકડાઉન લાદવું પડયું અને લંબાવવું પડયું. ટેડ્રોસે કહ્યું છે કે ભારત કોવિડ-૧૯ની ભયાનક લહેર સામે લડાઇ લડી રહ્યું છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે તો સ્મશાનોમાં લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ હૃદયને કંપાવે તેવી છે.

તેમણે કહ્યું હતું કે, ભારતની સ્થિતિ નાજુક છે. આપણે કોઇ સ્થિતિ માટે કહીએ છીએ કે તે દિલને તોડનારી છે પણ ભારતની સ્થિતિ આનાથી પણ ખરાબ છે. તેમણે કહ્યું હતું કે, અનેક દેશો હજુ પણ કોરોનાના ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે પણ ભારતની સ્થિતિ હૃદયને કંપાવનારી છે.

ટેડ્રોસે કહ્યું કે WHOએ બધુ જ કરી રહી છે જે અમે કરી શકીએ છીએ. મહત્વપૂર્ણ સાધનોનો પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે સંયુકત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી અન્ય વસ્તુઓમાં 'હજારો ઓકિસજન કોન્સ્ટ્રેટર, પ્રી ફેબ્રિકેટેડ મોબાઇલ ફીલ્ડ હોસ્પિટલ અને લેબોરેટરીનો પુરવઠો પૂરો પાડી રહ્યા છે.'

WHOએ એમ પણ કહ્યું કે તેમણે પોલિયો અને ટીબી સહિત વિભિન્ન કાર્યક્રમોના ૨૬૦૦થી વધુ નિષ્ણાંતોને ભારતીય સ્વાસ્થ્ય અધિકારીઓની સાથે કામ કરવા માટે આ મહામારી સાથે લડવામાં મદદ કરવા માટે મોકલ્યા છે.

(3:34 pm IST)