મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

કોરોનાઃ હાઇકોર્ટે ફરી રાજય સરકારને ઝાટકીઃ તમામ તૈયારીઓ માત્ર કાગળ ઉપરઃ વાસ્તવમાં કંઇ નથીઃ સ્થિતિ ડરામણી છે

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજય સરકારે મેન પાવર, બેડ અને ઓકિસજનની અછત હોવાનું સ્વીકાર્યુ : ખાનગી વાહનોના દર્દીને દાખલ કેમ નથી કરતાઃ એમ્બ્યુલન્સ મામલે સરકારનો સ્ટેન્ડ વિરોધાભાષીઃ કોરોનાની ચેન તોડવા લોકડાઉન જરૂરી છે

અમદાવાદ, તા., ર૭: ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કહેરને કારણે લોકોને પડતી હાલાકી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટોની અરજી દરમિયાન આજે રાજય સરકારે સ્વીકાર્યુ હતુંકે રાજયમાં મેન પાવર, બેડ અને ઓકિસજની અછત છે. જયારે હાઇકોર્ટે રાજય સરકારની ઝાટકણી કાઢતા એવું જણાવ્યું હતું કે મહામારીમાં રાજયની સ્થિતિ ડરામણી  છે આ સંજોગોમાં તમામ વસ્તુ માત્ર કાગળ ઉપર છે. વાસ્તવમાં એટલે કે ગ્રાઉન્ડ ઉપર કશુ નથી.

ગુજરાત હાઇકોર્ટે આજે રાજય સરકારને ફરી આડે હાથ લીધી હતી અને સરકાર ઉપર તડાપીટ બોલાવી હતી. હાઇકોર્ટે કહયું હતું કે અમે લોકોના જીવ બચાવવાની વાત કરીએ છીએ. મોતના આંકડાની વાત પછી કરશું. અત્યારે બ્રેક ધી ચેનની વાત કરો. લોકડાઉન મામલે તમારો શું મત છે?

હાઇકોર્ટે એમ્બ્યુલન્સ મામલે પણ સરકારને ઘેરી હતી અને કહયું હતું કે એમ્બ્યુલન્સ મામલે તમારો સ્ટેન્ડ વિરોધાભાષ છે. ખાનગી વાહનના દર્દીઓને દાખલ કેમ નથી કરાતા? આવુ કેમ બની રહયું છે?

ગુજરાત હાઇકોર્ટે સરકારને પુછયું હતું કે અત્યારે તમારી તૈયારી શું છે? તમે માત્ર અમદાવાદની વાત કરો છો, પરંતુ રાજય માટે તમારો શું પ્લાન છે? ઓકિસજનની અછતને લઇને કેન્દ્ર સરકાર ઉપર દોષનો ટોપલો ઢોળવો એ યોગ્ય નથી. બધી હોસ્પીટલોમાં ઓકિસજનના પ્લાન્ટ હોવા જોઇએ.

(3:11 pm IST)