મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

અંડરવર્લ્‍ડ ડોન છોટા રાજન કોરોના પોઝિટિવ

એઇમ્‍સમાં દાખલ કરાયોઃ તબિયત સ્‍થિર

નવી દિલ્‍હી, તા.૨૭: દેશમાં કોરોનાવાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ત્‍યારે આ વાયરસની ઝપટમાં નેતા-અભિનેતા દરેક આવી રહ્યા છે. આ વચ્‍ચે સમાચાર સામે આવ્‍યા છે કે, અન્‍ડરવર્લ્‍ડ ડોન રાજેન્‍દ્ર નિકાલ્‍જે ઉર્ફે છોટા રાજનનો કોવિડ-૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. આ પછી, તેને નવી દિલ્‍હીનાં ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ મેડિકલ સાયન્‍સિસ (એઈમ્‍સ) માં દાખલ કરવામાં આવ્‍યો છે.

આપને જણાવી દઇએ કે, તિહાર જેલનાં અધિકારીઓએ સોમવારે અહીં સેશન્‍સ કોર્ટને માહિતી આપી હતી કે, છોટા રાજનની તબિયત હાલમાં સ્‍થિર છે. છોટા રાજન વર્ષ ૨૦૧૫ માં ઇન્‍ડોનેશિયાનાં બાલીથી પ્રત્‍યાર્પણ બાદથી તિહાર જેલમાં બંધ છે. મુંબઈમાં તેની સામેના તમામ કેસો સીબીઆઈને ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યા હતા. આ કેસોની સુનાવણી વિશેષ અદાલતમાં ચાલી રહી છે. સોમવારે, તિહારનાં સહાયક જેલરે સેશન્‍સ કોર્ટને કહ્યું હતું કે, તે કેસની સુનાવણીનાં સંદર્ભમાં વીડિયો કોન્‍ફરન્‍સ દ્વારા રાજનને ન્‍યાયાધીશ સમક્ષ રજૂ કરી શકશે નહીં, કારણ કે ગેંગસ્‍ટર કોવિડ-૧૯ ને ચેપ લાગ્‍યો હતો અને તેને એઇમ્‍સમાં દાખલ કરાયો છે.

છોટા રાજન મુંબઇમાં ખંડણી અને હત્‍યા સંબંધિત ૭૦ ફોજદારી કેસોમાં આરોપી છે. રાજનને ૨૦૧૧ માં પત્રકાર જયોતિર્મય ડેની હત્‍યામાં દોષી ઠેરવવામાં આવ્‍યો હતો અને ૨૦૧૮ માં આજીવન કેદની સજા ફટકારવાામં આવી હતી. ગયા સપ્તાહે મુંબઈની સીબીઆઈની વિશેષ અદાલતે ૧૯૯૩ નાં મુંબઈ સિરિયલ બોમ્‍બ બ્‍લાસ્‍ટ કેસમાં આરોપી હનીફ કડાવાલાની હત્‍યાનાં મામલામાં રાજન અને તેના સાથીને નિર્દોષ જાહેર કર્યા હતા.

(10:50 am IST)