મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

લગ્નનું ચાલી રહ્યુ હતું રિશેપ્‍શન અને પોલીસ ત્રાટકી : મહેમાનો રફૂચક્કર પણ વરરાજાને ખાવી પડી જેલની હવા

જલંધર,તા.૨૭: પંજાબના જાલંધરમાં લગ્નમાં ગાઈડલાઈન્‍સ કરતા વધુ લોકો ભેગા થવા પર વરરાજાની ધરપકડ કરવામા આવી હતી.

પોલીસે જણાવ્‍યું કે, લગ્ન સમારોહમાં કોરોના ગાઈડલાઈન્‍સનો ભંગ કરવામા આવ્‍યો હતો. લગ્નમાં ૧૦૦થી વધુ લોકોની ભીડ ભેગી કરવામાં આવી હતી. જેના કારણે પોલીસે કાર્યવાહી કરી હતી.

વરરાજા અને તેના પિતાની પોલીસે રિસેપ્‍શન પાર્ટીમાંથી ધરપકડ કરી હતી. જયારે પોલીસને જોતા જ ઘણા મહેમાનો નાસી છૂટ્‍યા હતા. પંજાબમાં લગ્ન અને અંતિમ સંસ્‍કારમાં ૨૦થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. જયારે અન્‍ય કાર્યક્રમમાં ૧૦થી વધુ લોકોના ભેગા થવા મુદ્દે તંત્રની મંજૂરી લેવી જરૂરી છે.

લગ્ન સમારોહમાં ૧૦૦થી વધુ લોકોના આવવા મુદ્દે પોલીસે પૂછપરછ કરતા યુવકે પોતાનો બચાવ કરતા કહ્યું કે, મને જ નથી ખબર કે લગ્નમાં આટલી મોટી સંખ્‍યામાં લોકો ક્‍યાંથી આવી ગયા. પોલીસે દુલ્‍હા અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(10:15 am IST)