મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

આજે ૭૬ મોતઃ ૨૫૧ કેસ

રાજકોટમાં આંશિક રાહતઃ ગઇકાલે સૌથી વધુ ૭૧૯ દર્દી સાજા થતા કેસ કરતા કોરોનાને મ્હાત આપનારની સંખ્યાની હેટ્રિકઃ રિકવરી રેટમાં વધારો : કુલ કેસનો આંક ૩૧,૭૩૩એ પહોંચયોઃ આજ દિન સુધીમાં ૨૬,૫૦૫ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૪.૧૯ ટકા થયોઃ સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૬૨ પૈકી ૧૭ કોવિડ ડેથઃ હાલમાં ૪૮૦૪ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: શહેર-જીલ્લમાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૭૬ નાં મૃત્યુ થયા છે. શહેરમાં બપોર સુધીમાં ૨૫૧ કેસ નોંધાયા છે. શહેરમાં થોડી આશિંક રાહત જોવા મળી રહી છે. ગઇકાલે આજ દિન સુધીનાં સૌથી વધુ ૭૧૯ દર્દીઓ સાજા થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી એટલે કે, શનીવાર, રવિવાર તથા ગઇકાલે સમોવારે પોઝિટિવ રિપોર્ટ કરતા સ્વસ્થ થયેલ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આજે શહેરમાં થોડો ૧ ટકા જેવો રિકવરી રેટમાં વધારો થવા પામ્યો છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૬નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૭નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૭૬ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૬૨ પૈકી ૧૭ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૧૦  બેડ ખાલી છે.

નોંધનીય છે કે શહેરમાં કોરોનાનું  સંક્રમણ વધતા શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૭૬ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાના ૨૫૧ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૫૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૧,૭૩૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૨૬,૫૦૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૯,૪૧૨  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૪૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૮૦ ટકા થયો  હતો. જયારે ૭૧૯ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૯,૬૨,૧૩૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૧,૭૩૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૨૭ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૪૮૦૪  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:10 pm IST)