મુખ્ય સમાચાર
News of Friday, 27th April 2018

અૈશ્વર્યા તો બરાબર પરંતુ ડાયના હૈડન કઇ રીતે મિસ વર્લ્ડ બન્યાઃ ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવનું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્‍હીઃ ત્રિપુરાના મુખ્‍યમંત્રી વિપ્લવ દેવના વિવાદાસ્‍પદ નિવેદનથી ભારે ચર્ચા જાગી છે. તેઓઅે મિસ વર્લ્ડ રહેલી ડાયના હૈડન અને ઐશ્વર્યા રાય વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેના પછી તેઓ ટ્વિટર પર ટ્રોલ થઈ ગયા છે. તેમના નિવેદનની લોકો ટીકા કરીને તેમને ટ્રોલ કરી રહ્યા છે. સામાન્ય લોકોની સાથેસાથે રાજકારણીઓ પણ તેમની ઝાટકણી કાઢી રહ્યા છે. હાલમાં ત્રિપુરાના મુખ્યપ્રધાન વિપ્લવ દેવે હાલમાં ડાયના હૈડને 21 વર્ષ પહેલાં જીતેલા મિસ વર્લ્ડખિતાબ જીતવા મામલે સવાલ કર્યો હતો. આ મામલે તેણે કહ્યું છે કે જેણે પણ આંતરરાષ્ટ્રીય સૌદર્ય પ્રતિયોગિતામાં ભાગ લીધો એણે જીત મેળવી, સતત પાંચ વર્ષ સુધી. ડાયના હૈડન સુદ્ધાં જીતી ગઈ. શું તમને લાગે છે કે તેને તાજ મળવો જોઈએ ?'

વિપ્લવ દેવે ઐશ્વર્યા રાયના વખાણ કરીને કહ્યું કે તે યોગ્ય રીતે ભારતીય મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે મિસ વર્લ્ડ બની એ યોગ્ય છે પણ મને ડાયના હૈડનની સુંદરતા સમજમાં નથી આવતી. લોકોએ આ કમેન્ટને સેક્સિસ્ટ ગણાવી તો કેટલાકે એને હાસ્યાસ્પદ કહી છે. 

ગણતરીના દિવસો પહેલાં વિપ્લવ દેવે નિવેદન આપતા જણાવ્યું હતું કે લાખો વર્ષો પહેલાં ઇન્ટરનેટની શોધ ભારતમાં થઈ હતી. તેમણે જણાવ્યું કે મહાભારતના સમયગાળા દરમિયાન માત્ર ઇન્ટરનેટ જ નહીં પણ દેશમાં ઉપગ્રહો પણ હતા. ત્રિપુરામાં એક વર્કશોપને સંબોધતા વિપ્લવ દેવે કહ્યું હતું આ એવો દેશ છે જ્યાં મહાભારતમાં સંજયે બેઠાં-બેઠાં યુદ્ધમાં શું થઈ રહ્યું હતું તે ધૃતરાષ્ટ્રને વર્ણવતા હતા. આનો અર્થ શું છે? એ જમાનામાં ટેકનોલોજી હતી, ઇન્ટરનેટ હતું, ઉપગ્રહ હતા. નહીં તો સંજયની આંખોથી કેવી રીતે જોઈ શકાય? તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોએ નહીં પરંતુ ભારતે ઇન્ટરનેટની શોધ કરી છે. વિપ્લવ દેવના આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં તેમની ભારે મજાક ઉડી હતી. 

(5:58 pm IST)