મુખ્ય સમાચાર
News of Friday, 27th April 2018

વર્ષોની ધમકીઓ અને તણાવ વચ્‍ચે આખરે અે ક્ષણ આવી ગઇઃ ઉત્તર અને દક્ષિણ કોરિયાના શાસકો સાથે મળીને પ્રથમ તબક્કાની વાતચીત કરી

દક્ષિણ કોરિયાઃ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇનને મળવા દક્ષિણ કોરિયા પહોંચ્યા છે. કેટલાય વર્ષોની ધમકીઓ અને તણાવ વચ્ચે આખરે એ ક્ષણ આવી જ પહોંચી કે જે અંગે થોડા મહિના પહેલા કોઈ વિચારી પણ શકે એમ નહોતું.

ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉન દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઇનને મળવા દક્ષિણ કોરિયા પહોંચ્યા છે. મહત્વપૂર્ણ છે કે બન્ને પડોશી દેશો વચ્ચે વર્ષ 1953માં થયેલા કોરિયન યુદ્ધ બાદ સરહદ આંકવામાં આવી હતી. તેઓ ઉત્તર કોરિયાના એવા પ્રથમ નેતા બન્યા છે કે જેમણે મુલાકાત માટે સૈન્ય સરહદને પાર કરી દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મૂક્યો હોય.

બન્ને નેતાઓએ એક બીજા સાથે હાથ મિલાવ્યા અને હસ્યા... અને આવી રીતે વિશ્વના એક ઐતિહાસિક સંમેલનની શરૂઆત થઈ.  ઉત્તર કોરિયા કયા મુદ્દાઓ પર વાતચીત કરવા માગે છે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા નથી. ઘણા જાણકારોનું કહેવું છે કે, ઉત્તર કોરિયા પર લાગેલા પ્રતિબંધોના કારણે કિમ જોંગ-ઉન વાતચીત કરવા તૈયાર થયા છે.

આ મુલાકાતમાં મૂન જે-ઇનની આશાઓ સ્પષ્ટ છે. તેમનું કહેવું છે કે બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ છે અને શાંતિ સમાધાનના પ્રયત્નો થાય તે જરૂરી છે. જેથી કોરિયન ઉપખંડમાં વર્ષોથી ચાલ્યો આવતો તણાવ શાંત થાય.

દક્ષિણ કોરિયાનો લોકો આ મુલાકાતને પગલે ઉજવણી કરી રહ્યા છે અને ઉત્તર કોરિયાના ઠંડા નુડલ્સ ખાઈ રહ્યા છે. આ ટ્વીટમાં કહેવાયું છે, ''હું પ્યોંગયાંગના કોલ્ડ નૂડલ્સ ખાવા આવ્યો છું. કતાર બહુ લાંબી છે પણ આ એક ખાસ દિવસ છે.''

બે નેતાઓ વચ્ચેના પ્રથમ તબક્કાની વાતચીત પૂર્ણ થઈ ગઈ છે . 'ધ વૉલ સ્ટ્રીટ જર્નલ'ના પત્રકાર જૉનાથન ચૅન્ગે ટ્વીટ કરીને જણાવ્યું કે બન્ને નેતાઓ લંચ માટે નીકળી ગયા છે.

કિમ કાળા રંગની મર્સીડીઝ લિમોમાં લંચ માટે નીકળ્યા હતા. એ વખતે એમની સાથે એમના 12 અંગરક્ષકો પણ હાજર હતા. કિમ જોંગ-ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખે પનપુનજોમમાં એકબીજા સાથે હાથ મિલાવ્યા. અને આ રીતે આ ઐતિહાસિકક્ષ સંમેલનની શરૂઆત થઈ.

પનપુનજોમ કોરિયન દ્વીપકલ્પનું એક માત્ર એવું સ્થળ છે કે જ્યાં ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા અને અમેરિકાના સૈનિકો દિવસરાત સામસામે હોય છે. વર્ષ 1953ના કોરિયન યુદ્ધ બાદ અહીં યુદ્ધવિરામ લાગુ કરાયો છે.

દરમિયાન આખરે એ ક્ષણ આવી જ પહોંચી જેની અપેક્ષા હતી. દક્ષિણ કોરિયના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાની સરહદ તરફ આગળ વધીને કિમ જોંગ-ઉનને મળ્યા. સમાચાર સંસ્થા એએફપીના જણાવ્યા અનુસાર મૂને કિમને કહ્યું, ''તમને મળીને હું ખૂશ છું.'' બન્ને નેતાઓ વચ્ચેની વાતચીતમાં કોરિયાના વિવાદાસ્પદ અણુ કાર્યક્રમ અંગે ચર્ચા થવાની આશા વ્યક્ત કરાઈ રહી છે.

દક્ષિણ કોરિયાએ ચેતવણી આપી છે કે ઉત્તર કોરિયાને અણુકાર્યક્રમ છોડવા માટે તૈયાર કરવું અત્યંત મુશ્કેલ હશે. નોંધનીય છે કે બન્ને દેશના વડાઓ એક દાયકા પહેલાં મળ્યા હતા. એ મુલાકાત બાદની સ્થિતિ હવે ઘણી બદલાઈ ગઈ છે. આ બંને દેશોના વડાઓની મુલાકાતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વની માનવામાં આવી રહી છે. ત્યારે ભારતને આનાથી કેટલી અસર થશે?

અંગે જણાવતા જેએનયુમાં કોરિયન સ્ટડીઝના પ્રોફેસર સંદિપ મિશ્રાએ બીબીસી સાથે વાત કરી. પ્રો. મિશ્રાએ કહ્યું, ''આ મુલાકાતથી ભારતને સીધી રીતે કોઈ અસર કે ફાયદો થશે નહીં.'' ''પણ, ભારત એક વિકાસશીલ દેશ છે. એશિયા-પેસિફિક દેશોમાં આપણું મહત્ત્વ વધી રહ્યું છે. ત્યારે એશિયા-પેસિફિક દેશોની નીતિ એકબીજા માટે શાંત રહે તે મહત્ત્વનું છે.''

તેમણે ઉમેર્યું કે, ''જો પૂર્વ એશિયામાં કે આખા એશિયા પેસિફિકમાં ઉત્તર કોરિયાના મિસાઈલ પરિક્ષણને લઈને સંઘર્ષની પરિસ્થિતિ સર્જાય તો તેની માઠી અસરો ભારતને પણ ભોગવવી પડે.'' 

વિશ્વ રાજનીતિની વાત કરતાં પ્રોફેસર મિશ્રાએ કહ્યું, ''અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે થોડા સમય પહેલા મિસાઈલ પરિક્ષણને લઈને આક્રમક માહોલ હતો.'' ''જ્યારે આ મામલે ભારતનો મત શાંતિ પ્રસ્તાવની નીતિની વકાલત કરતું આવ્યું છે. એવામાં બે દેશો વચ્ચે આવી વાતચીત થાય તે ભારતીય કૂટનીતિને સમર્થન આપનારું છે.''

(5:16 pm IST)