મુખ્ય સમાચાર
News of Friday, 27th April 2018

દ. આફ્રિકામાં ભારે હિંસા - લૂંટફાટ : ગુજરાતીઓ ટાર્ગેટ

વેટ ટેક્ષમાં ૧ ટકો વધારો કરાતા રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ચારેકોર અરાજકતા : ગુજરાતીઓના શોરૂમ - દુકાનોને નિશાન બનાવાય છે : શહેરોમાંથી ધીમે ધીમે ગામડાઓમાં પ્રસરી રહી છે : જહોનિસબર્ગ, પ્રિટોરીયા, લેન્સ, જનીન સહિતના શહેરોમાં નીગ્રોના હુમલાથી દહેશતનો માહોલ

ભરૂચ : સાઉથ આફ્રિકા ખાતે વેટ ટેક્ષમાં ૧ ટકા વૃદ્ધિ કરાતા રાષ્ટ્રવ્યાપી હડતાળમાં દેશભરમાં    હિંસા    અને લૂંટફાટના બનાવો બનતા હાહાકાર વ્યાપી જવા પામ્યો છે.

લૂંટ કરનારાઓ દ્વારા મોટા પ્રમાણમાં ગુજરાતીઓના શો- રૂમ અને દુકાનોને ટાર્ગેટ કરીને લૂંટ ચલાવવામાં આવી રહી છે  ત્યારે  ગુજરાતમાં  અને ભરૂચમાં વસતા સ્વજનોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી  છે.

સાઉથ આફ્રિકા સરકાર દ્વારા વેટના દરોમાં ૧ ટકાની વૃદ્ધિ કરાતાં વિવિધ સંગઠનો દ્વારા અપાયેલ એક દિવસીય હડતાળમાં દેશભરમાં હિંસા અને લૂંટફાટના બનાવોથી અરાજકતા વ્યાપી જવા પામી છે.

સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગ, પીટોરિયા, લેન્સ, જનીન સહિત સંખ્યાબંધ શહેરોમાં નિગ્રો પ્રજા દ્વારા બંધમાં દુકાનો, શોપિંગ મોલને ટાર્ગેટ કરી વ્યાપક લૂંટ ચલાવાતા દેશભરમાં અરાજકતા અને દહેશતનો માહોલ ઊભો થવા પામ્યો છે.

દક્ષિણ આફ્રિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર નિગ્રો લૂંટારૂઓ    દ્વારા    મહત્તમ ગુજરાતીઓની દુકાનો અને શો-રૂમઓને ટાર્ગેટ કરી લૂંટ ચલાવાઈ  છે.  આફ્રિકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી જવા પામી છે. દેશમાં જાણે પોલીસની હાજરી જ હોય તેમ જણાઈ રહ્યું છે.

સાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને આગજનીના બનાવો શહેરોમાંથી ધીરે-ધીરે ગામડાઓમાં પ્રસરી રહ્યા છે. અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે, મહત્તમ ભારતીયો અને તેમાંય વિશેષ ગુજરાતીઓ આફ્રિકામાં લાખોની સંખ્યામાં સ્થાયી થયેલા છે ત્યારે સાઉથ આફ્રિકામાં  કથળી  રહેલી કાયદો વ્યવસ્થા ભારતીયો અને તેમાંય ગુજરાતીઓ મહત્તમ ભોગ બન્યા છે. આ અંગે કેન્દ્ર સરકાર યોગ્ય પગલાં લે તેવી લાગણી પ્રવર્તે છે.(૩૭.૪)

 

(11:38 am IST)