મુખ્ય સમાચાર
News of Monday, 27th March 2023

ઉદ્ધવ જૂથ ખડગેની ડીનર પાર્ટીમાં હાજર ન રહ્યું

વીર સાવરકર મુદ્દે કોંગ્રેસ વિરૂદ્ધ આક્રમક વલણ

મુંબઈ:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વીર સાવરકરને લઈને આપેલા નિવેદન પર રાજનીતિ ગરમાઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પ્રવક્તા સંજય રાઉતે સીધુ જ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. સાથે જ શિવસેનાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની ડિનર પાર્ટીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની ડિનર પાર્ટીમાં શિવસેના તરફથી કોઈ સામેલ નહીં થાય.

 

શિવસેનાએ લોકસભામાંથી રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાની નિંદા કરી છે. સાથે જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસને ચેતવણી પણ આપી છે કે વીર સાવરકરને નીચુ દેખાડવાથી વિપક્ષી ગઠબંધનમાં તિરાડ ઉભી થશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વીર સાવરકર અમારા ભગવાનની જેમ છે. તેમના પ્રત્યે અપમાન સહન કરવામાં આવશે નહીં. અમે લડવા માટે તૈયાર છીએ પણ અમારા ભગવાનનું આ રીતે અપમાન ન કરો, જેને અમે સહન નહીં કરીએ.

 

ખડગેએ ડિનર પાર્ટી સોમવારે સાંજે પોતાના દિલ્હીના નિવાસસ્થાન પર રાખી છે. આ પાર્ટીમાં ખડગેએ તમામ વિપક્ષી દળોના નેતાઓને બોલાવ્યા છે. શિવસેનાએ આ પાર્ટીમાં આવવાની ના પાડી દીધી છે. શિવસેનાએ હિન્દુત્વ વિચારક વીર સાવરકરની વિરૂદ્ધ રાહુલ ગાંધીની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે

(7:54 pm IST)