મુખ્ય સમાચાર
News of Monday, 27th March 2023

ધારાસભામાં રાહુલ ગાંધીના મુદ્દે ધમાલ : કોંગી ધારાસભ્‍યો સસ્‍પેન્‍ડ

વિપક્ષી ધારાસભ્‍યો કાળા કપડા પહેરીને આવ્‍યા : લોકશાહી બચાવવા ઉપરાંત મોંઘવારી, ભ્રષ્‍ટાચાર મુદ્દે સૂત્રોચ્‍ચાર

આજે ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે કોંગી ધારાસભ્‍યોએ અમિત ચાવડાની આગેવાનીમાં રાહુલ ગાંધી સામેના પગલા સહિતના મુદ્દે સૂત્રોચ્‍ચાર સાથેના બોર્ડ દર્શાવી ઉગ્ર વિરોધ કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૭ : આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી ચાલુ થતાની સાથે જ વિરોધપક્ષ કોંગ્રેસના સભ્‍યોએ બેનર સાથે સૂત્રોચ્‍ચાર ચાલુ રાખતા અધ્‍યક્ષશ્રીએ નિયમ ૫૧ મુજબ આજના દિવસની કામગીરીમાંથી સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. વિરોધ પક્ષે કોંગ્રેસ રાષ્‍ટ્રીય નેતા રાહુલ ગાંધી સામે લીધેલ પગલાનો વિરોધ દર્શાવ્‍યો હતો. કોંગી ધારાસભ્‍યો કાળા કપડા પહેરી આજે વિધાનસભામાં આવ્‍યા હતા.

મોદી અટકને જોડીને કરાયેલા માનહાનિના કેસમાં કોંગીના રાષ્‍ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની જેલ સજા જાહેર કરી છે. સજાના એલાનના બીજા દિવસે લોકસભાના અધ્‍યક્ષે રાહુલનું સાંસદ પદ રદ્દ કર્યું. આ પગલાનો કોંગ્રેસે દેશવ્‍યાપી વિરોધ કર્યો છે. લોકશાહી બચાવવાની લાગણી સાથે આજે ધારાસભામાં કોંગી સભ્‍યો અમિત ચાવડા, સી.જે.ચાવડા, શૈલેષ પરમાર, વિમલ ચુડાસમા, ગેનીબેન ઠાકોર વગેરેની રાહબરીમાં નાના બેનર દર્શાવી કોંગી સભ્‍યોએ સૂત્રોચ્‍ચાર કરેલ.

વિરોધમાં રાહુલ ગાંધીના મુદ્દા ઉપરાંત બેફામ મોંઘવારી, ભ્રષ્‍ટાચાર વગેરેના મુદ્દા ઉમેરી વિપક્ષી સભ્‍યોએ સરકાર સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. ગૃહના અધ્‍યક્ષની વારંવારની ટકોર છતાં વિપક્ષી સભ્‍યોએ સૂત્રોચ્‍ચાર યથાવત રાખતા આખરે આજના દિવસ માટે હાજર કોંગી સભ્‍યોને ગૃહની કાર્યવાહીમાંથી સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા. બુધવારે ધારાસભા સત્રનો છેલ્લો દિવસ છે.

(3:17 pm IST)