મુખ્ય સમાચાર
News of Sunday, 27th March 2022

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સપ્ટેમ્બર સુધી 80 કરોડ લોકોને મળશે મફત રાશન: ગરીબ કલ્યાણ અન્ન યોજના ને છ મહિના માટે લંબાવવામાં આવી

ભારતની શક્તિ દેશના દરેક નાગરિકની શક્તિમાં રહેલી છે. આ શક્તિને વધુ મજબૂત કરવા માટે સરકારે સપ્ટેમ્બર 2022 સુધી વધુ છ મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. દેશના 80 કરોડથી વધુ લોકો પહેલાની જેમ આનો લાભ લઈ શકશે: પીએમ મોદીએ ટ્વીટ દ્વારા જાહેર કર્યુ

નવી દિલ્‍હી : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ને છ મહિના માટે લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે શનિવારે આની જાહેરાત કરી છે. હવે આ યોજના  હેઠળ લાભાર્થીઓને સપ્ટેમ્બર 2022 સુધી મફત રાશન મળતું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર કહ્યું કે ભારતની શક્તિ દેશના દરેક નાગરિકની શક્તિમાં રહેલી છે. આ શક્તિને વધુ મજબૂત કરવા માટે સરકારે સપ્ટેમ્બર 2022 સુધી વધુ છ મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટમાં કહ્યું કે દેશના 80 કરોડથી વધુ લોકો પહેલાની જેમ આનો લાભ લઈ શકશે.

લોકડાઉન લાગુ થયા બાદ માર્ચ 2020માં પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ કોરોના રોગચાળાને કારણે થતા તણાવને ઓછો કરવાનો છે. શરૂઆતમાં આ યોજના એપ્રિલ-જૂન 2020ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ તે પછી તેને 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ ઓળખાયેલા 80 કરોડ રેશન કાર્ડધારકોને મફત રાશન પ્રદાન કરે છે. આ યોજના હેઠળ મળતું મફત રાશન રેશનની દુકાનો દ્વારા કાર્ડ ધારકોને આપવામાં આવતા સબસિડીવાળા અનાજ કરતાં વધુ છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ કોને અને કેટલો લાભ મળે છે તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ભારતના લગભગ 80 કરોડ રેશનકાર્ડ ધારકોને દર મહિને સભ્ય દીઠ 5 કિલો વધુ અનાજ (ઘઉં-ચોખા) આપવામાં આવે છે. જણાવી દઈએ કે દેશના જે નાગરિકની પાસે રાશન કાર્ડ છે, તેને આ યોજના હેઠળ દર મહિને તેના ક્વોટાના રાશનની સાથે 5 કિલો વધારાનું રાશન મળી રહ્યું છે. આ યોજના હેઠળ મફત અનાજ એ જ રાશનની દુકાન પર ઉપલબ્ધ થશે, જ્યાંથી રાશન કાર્ડ પર મળે છે.

ધ્યાનમાં રાખો કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજનો લાભ એવા લોકો માટે નથી કે જેમની પાસે રાશન કાર્ડ નથી. આ યોજના રાશન કાર્ડ ધારકો સુધી મર્યાદિત છે, જેમની સંખ્યા દેશમાં 80 કરોડથી વધુ છે.

(12:30 pm IST)