મુખ્ય સમાચાર
News of Friday, 27th March 2020

કોરોનાના ડાકલા જુલાઈના અંત કે ઓગષ્ટના મધ્યમાં બંધ થશે

મોકાણના સમાચાર આપતી વિશ્વની બે મહત્વની યુનિવર્સિટીઓઃ અભ્યાસમાં ચોંકાવનારા ખુલાસાઃ ભારતમાં ૨૫ લાખ લોકો આ વાયરસના સકંજામાં આવી હોસ્પીટલો સુધી જશે : ભારતમાં ૧૦ લાખ વેન્ટીલેટરની જરૂર પડશેઃ હોસ્પીટલોએ ૩ મહિના મહેનત કરવી પડશેઃ કામચલાઉ હોસ્પીટલો બનાવવી પડશેઃ લોકડાઉન હટશે તો ફરી એક બે સપ્તાહ બાદ કેસ વધશે અને મુશ્કેલી વધશે

નવી દિલ્હી, તા. ૨૭ :. કોરોના વાયરસને લઈને ભારતમાં ઘણી તૈયારીઓ થઈ રહી છે. લોકો લોકડાઉનમાં છે છતાં ૭૦૦ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે અને ૨૦ના મોત થયા છે. આ દરમિયાન ભારતને લઈને વિશ્વની એક સૌથી મોટી યુનિવર્સિટીએ રીપોર્ટ આપ્યો છે. આ રીપોર્ટમાં જણાવાયુ છે કે કેવી રીતે ભારત માથે ખતરાની ઘંટડી વાગી રહી છે. આ વાયરસ ભારતને આવતા ૪ મહિના સુધી વધુ હેરાન-પરેશાન કરવાનો છે. રીપોર્ટમાં કોરોનાને હરાવવાના રસ્તા પણ બતાવવામાં આવ્યા છે.

આ રીપોર્ટ જોન હોપકીન્સ યુનિ. અને ધ સેન્ટર ફોર ડીઝીઝ ડાયનેમીકસ, ઈકોનોમિકસ એન્ડ પોલીસીએ તૈયાર કર્યો છે. જેમાં ભારતનો અભ્યાસ કરવા માટે તમામ આંકડા ભારતની સત્તાવાર વેબસાઈટમાંથી લેવામાં આવ્યા છે.

જોન હોપકીન્સ યુનિ.ના આ રીપોર્ટમાં જણાવાયુ છે કે ભારતમાં કોરોના વાયરસની બિહામણી લહેર જુલાઈના અંત કે ઓગષ્ટના મધ્ય સુધીમાં સમાપ્ત થશે. જેમાં ૫ રાજ્યોના ગ્રાફ પણ બનાવીને દર્શાવવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં સૌથી વધુ લોકો એપ્રિલના મધ્યથી લઈને મે ના મધ્ય સુધી કોરોનાથી સંક્રમિત થઈને હોસ્પીટલોમાં દાખલ થશે. પછી જુલાઈના મધ્ય સુધી અસંખ્ય ઘટતી જશે અને ઓગષ્ટના અંત સુધીમાં તે સમાપ્ત થવાની શકયતા છે. આ ગ્રાફ અનુસાર લગભગ ૨૫ લાખ લોકો આ વાયરસના સકંજામાં આવીને હોસ્પીટલો સુધી જશે.

અભ્યાસમાં જણાવાયુ છે કે એ જાણી શકાયુ નથી કે ભારતમાં કેટલા લોકો સંક્રમિત છે કારણ કે અનેક લોકો એસિમ્ટોમેટિક છે એટલે કે અલક્ષી છે આનો અર્થ એ છે કે કોરોના વાયરસથી સંક્રમિત લોકો વધુ છે. તેઓમાં કોરોનાના લક્ષણો પણ હશે પરંતુ હળવા સ્તરના તેથી જ્યારે તે તિવ્ર બનશે ત્યારે જ જાણી શકાશે.

જોન હોપકીન્સ યુનિ.ના અભ્યાસમાં જણાવ્યુ છે કે વડીલોની વસ્તીએ સોશ્યલ ડીસ્ટન્સીંગનુ વધુ પાલન કરવુ પડશે. જેટલા વધુ લોકડાઉન થશો તેટલા જ વધુ લોકો બચી શકશો. સોશ્યલ ડીસ્ટન્સીંગ સિવાય બચવાનો કોઈ રસ્તો નથી.

સૌથી મોટી મુશ્કેલી એ છે કે ભારતમાં ૧૦ લાખ વેન્ટીલેટરની જરૂર પડશે પરંતુ ભારતમાં હજુ ૩૦ થી ૫૦ હજાર છે. અમેરિકામાં ૧.૬૦ લાખ વેન્ટીલેટર છે છતા ઓછા પડે છે.

અભ્યાસ અનુસાર ભારતની બધી હોસ્પીટલોએ ત્રણ મહિના વધુ મહેનત કરવી પડશે. ભારતે પણ ચીનની જેમ કામચલાઉ હોસ્પીટલો બનાવવી પડશે. અભ્યાસ મુજબ ભારતમાં સ્વાસ્થ્ય કર્મીઓ માટે પુરતા માસ્ક, ફેસગીયર નથી. આનાથી મેડીકલ સ્ટાફ પણ ખતરામાં પડી જશે.

જોન હોપકીન્સના અભ્યાસમાં જણાયુ છે કે કેટલાક રાજ્યોમાં હજુ કોરોનાના કેસ ઓછા છે પરંતુ જેવુ લોકડાઉન હટશે કે તરત જ એક બે સપ્તાહ બાદ કેસ સામે આવશે અને મુશ્કેલી વધશે. અનેક રાજ્યોમાં હોસ્પીટલો અને આઈસીયુમાં બેડની અછત છે. ઓકિસજન બાટલા પણ ઓછા પડશે.

(3:20 pm IST)