મુખ્ય સમાચાર
News of Wednesday, 27th March 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુબ સાહસ દર્શાવી પ્રોજેક્ટને મંજુરી આપી હતી

યુપીએ સરકાર વેળા યોગ્ય જવાબ મળ્યો ન હતો : ઇસરોના પૂર્વ ચેરમેન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા : સતીષ રેડ્ડી અને દોભાલે પ્રસ્તાવ રજૂ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી

નવીદિલ્હી, તા. ૨૭ : ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના પૂર્વ ચેરમેન જી માધવન નાયરે આજે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ભારતની પાસે એક દશકથી પણ પહેલા એન્ટી મિસાઇલ ક્ષમતા હતી પરંતુ તે વખતે રાજકીય ઇચ્છાશક્તિની કમી હોવાના કારણે આને સફળતાપૂર્વક અંજામ આપવામાં સફળતા મળી ન હતી. જે વખતે ચીને ૨૦૦૭માં પરીક્ષણ કર્યું હતું અને પોતાના હવામાન સાથે સંબંધિત ઉપગ્રહને તોડી પાડ્યું હતું તે વખતે જ ભારતે ક્ષમતા હાંસલ કરી લીધી હતી. ભારત પાસે પણ મિશન પૂર્ણ કરવાની ટેકનોલોજી હતી. નાયરે કહ્યું હતું કે, મોદીએ આની પહેલ કરી છે. તેમની પાસે રાજકીય ઇચ્છાશક્તિ છે અને સાહસ છે. અમે આ પરીક્ષણ કરીશું તેમ કહેવાની હિંમત પણ છે. આનુ પ્રદર્શન હવે સમગ્ર દુનિયામાં કરવામાં આવ્યું છે. નાયર ઇસરોના સ્પેશ કમિશનના પ્રમુખ રહ્યા છે. સાથે સાથે ૨૦૦૩થી ૨૦૦૯ના ગાળા દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેશ સચિવ રહ્યા છે. ૨૦૦૭માં ભારત આવા પરીક્ષણની સ્થિતિમાં હતું કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, ભારતે ક્ષમતા હાંસલ કરી હતી પરંતુ રાજકીય ઇચ્છાશક્તિ ન હોવાના કારણે આ બાબત શક્ય બની ન હતી. મોદીએ સાહસની સાથે આ નિર્ણયને લઇ લીધો છે.  ડીઆરડીઓના પૂર્વ પ્રમુખ ડો. વીકે સારસ્વતે કહ્યું છે કે, અગાઉના ગાળામાં યુપીએ સરકાર વેળા રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય જવાબ મળ્યો ન હતો. સારસ્વતના કહેવા મુજબ જ્યારે ડો. સતીષ રેડ્ડી (હાલના ડીઆરડીઓ પ્રમુખ) અને એનએસએ અજીત દોભાલે મોદી સામે આ પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે સાહસ સાથે પ્રોજેક્ટને આગળ વધારવા મંજુરી આપી હતી. ૨૦૧૨-૧૩માં મંજુરી મળી ન હતી. બીજી બાજુ ચીને સાવધાનીપૂર્વકની પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે, તમામ દેશ બહારની અંતરિક્ષમાં શાંતિ જાળવશે.

(7:39 pm IST)