મુખ્ય સમાચાર
News of Thursday, 27th February 2020

કોઇકની ૧૧ દિવસ પહેલા થઇ હતી શાદી તો કોઇ દુધ લેવા નિકળ્યું હતું: જાણો દિલ્હી હિંસાના ૪ ખોફનાક કિસ્સા

નવી દિલ્હી, તા., ર૭: નાગરીકતા સંશોધન કાનુનને લઇને દિલ્હીમાં છેલ્લા ૩ દિવસથી થઇ રહેલી હિંસામાં મઙ્ગાર્યા ગયેલા લોકોના કિસ્સામાં કંઇક અલગ તો કંઇક ખુબ જ સામાન્ય બન્યું હતું. અલગ ધર્મ, કદ -કાઠી ઉંમર પણ અલગ અલગ! જુદા જુદા  વિસ્તારોમાં રહેવાવાળા, કાંઇક બધામાં સામાન્ય હતુ તો સપના, પરીવારનું ભરણપોષણ અને ભવિષ્યની ચિંતા! પોતાના  ગામ, તાલુકામાં રોજગાર નહિ મળતા દિલ્હી આવેલા બેરોજગારો દિલ્હીના બહારના વિસ્તારોમાં, મહોલ્લાઓમાં ખદબદતી ગટરો અને સાંકડી ગલીઓમાં બનેલા નાની-નાની ઓરડીઓમાં રહેવા લાગ્યા હતા. અચાનક એક દિવસ ભીડ તેમને ઘેરીને મારી નાખે છે. અથવા તો કોઇ દિશામાં આવેલી ગોળીનું તેઓ નિશાન બની જાય છે. વિતેલા ૪ દિવસમાં માર્યા ગયેલા લોકોની કથનીમાં દર્દનો દરીયો ઘુંઘવી રહયો છે.

ગુરૂ તેગ બહાદુર હોસ્પીટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર માર્યા ગયેલા લોકોના પરીવારજનોમાં થોડી-થોડી વારે રોકકડ થઇ સન્નાટો છવાઇ જાય છે. દરેક બાજુ ગમ, ગુસ્સો અને શોરબકોરનો માહોલ હતો. મરવાવાળા લોકોના પરીવારોની આંખોમાં આંસુની જગ્યાએ પ્રશ્નો છે. આખરે કોણે કોના માટે મારી નાખ્યા? સાંભળ્યું તો એવું હતુ કે દિલ્હી સૌની છે! એક પિતાનો ગમગીનીભર્યો અવાજ ગુંજે છે 'ભૈયા ગાંવ મે હી મજુરી કર લેતે, કાંહે દિલ્હી આયે'? !

(૧) કયાંકથી ગોળી છુટી અને ફુરકાનને આવીને લાગી

કર્દમપુરીમાં રહેવાવાળો બિજનોરનો મૂૃળ નિવાસી ફુરકાન હેન્ડીક્રાફટનું કામ કરતો હતો. તેને ૪ વર્ષની દિકરી અને બે વર્ષનો દિકરો છે. તેણે ઘણા સપના સજાવ્યા હતા. તે ઘરથી બહાર નિકળ્યો ને કયાંકથી છુટેલી ગોળી તેનો જીવ લઇ ગઇ! ફુરકાનના ભાઇ ઇમરાને જણાવ્યું કે તેને ફુરકાન ઘવાયાની જાણ ફોન ઉપર થઇ હતી. જીટીબી હોસ્પીટલ આવ્યો તો ખબર પડી કે ભાઇ તો મૃત્યુ પામ્યો હતો. પરીવારજનો પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૃતદેહની રાહમાં ઉભા છે. ફુરકાન ઉપર અગાઉ કોઇ પણ જાતનો ગુન્હો નોંધાયો ન હતો. તે અત્યંત સામાન્ય માણસ હતો.

(ર) અશફાકની ૧૧ દિવસ પહેલા થઇ'તી શાદી

બુલંદ શહેરના સાસની ગામનો ઇશફાક પોતાના સપના પુરા કરવા દિલ્હી આવ્યો હતો. તે ઇલેકટ્રીકશ્યન હતો. હિંસાના સમયે તે લાઇટ સમી કરવા ગયો હતો. તોફાનીઓએ અશફાકને પાંચ-પાંચ ગોળી ધરબી દેતા તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અશફાક હુશેનને ૪ ભાઇઓ અને ૪ બહેનો છે. પોસ્ટમોર્ટમ રૂમ ઉપર આવેલા તેના કાકા કહે છે કે તે ભણવા માંગતો હતો. જીંદગીની જરૂરીયાત તેને દિલ્હી લાવી હતી અને અહીંયા જ જીંદગી પુરી પણ થઇ ગઇ!

(૩) કપડા ખરીદવા ગયેલો દીપક  મોતને ભેટયો

બિહારના ગયાથી કામની શોધમાં દિલ્હી આવેલા દિપકે તેની કિંમત જાન દઇને ચુકવવી પડી. લગભગ આઠ વર્ષ પહેલા દિપકના લગ્ન થયા હતા. તે પરીવાર સાથે દિલ્હીના મંડોલી વિસ્તારમાં રહીને મજુરી કરતો હતો. પરીવારમાં પત્ની ઉપરાંત સંતાનમાં એક દિકરો અને બે દિકરીઓ છે. તે પોતાના બાળકોને ભણાવીને મોટા માણસ બનાવવા માંગતો હતો. મંગળવારે તે જાફરાબાદમાં કપડા ખરીદવા ગયો હતો. જયાં ભીડે તેના ઉપર હુમલો કરી દીધો હતો. તે જ વખતે દિપકને ગોળી લાગી અને તેનું મોત થઇ ગયું. પરીવારમાં તે એકલો જ કમાવાવાળો હતો.

(૪) દુધ લેવા ગયેલો રાહુલ પાછો ન આવ્યો

શિવવિહારના બાબુનગરમાં રહેવાવાળો ર૬ વર્ષનો રાહુલ સોલંકી સોમવારે સાંજે ઘરથી બહાર દુધ લેવા ગયો હતો. રસ્તામાં તેને લોકોએ ઘેરી લીધો હતો. પરીવારજનોએ કહયું કે, તેની મોત ગોળી વાગવાથી થઇ હતી. રાહુલ પરીવારમાં સૌથી મોટો હતો અને ખાનગી કંપનીમાં કામ કરતો હતો. તેને બે બહેન અને એક ભાઇ છે. રાહુલનું મૃત્યુ સોમવારે સાંજે થયું હતું. સબ લેવા માટે તેની બહેન અને અન્ય પરીવારજનો ગુરૂ તેગ બહાદુર હોસ્પીટલના પીએમ રૂમ ઉપર આવ્યા હતા. રાહુલના કાકા અરબસિંહએ જણાવ્યું કે એક તો દિકરાનું મૃત્યુ થયું અને હવે તેનું સબ પણ મળતું નથી!

આવી જ રીતે બ્રહ્મપુરીના વિનોદની પણ હત્યા કરી દેવામાં આવી. મરવાવાળા એક પણ શખ્સ ઉપર કોઇ ગુન્હો નોંધાયેલો ન હતો. હિંસા ફેલાવવાવાળા તોફાનીઓના ટોળા આવ્યા અને માસુમ લોકોના જાન ગયા અને પરીવારજનો રોતા-કકડતા રહી ગયા.

(1:13 pm IST)